પ્રશાંત કિશોર ‘રીયલ માસ્ટર્સ’ એટલે પ્રજા વચ્ચે જવા નવી પાર્ટી બનાવશે….?!?

કૉંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કરનારા પ્રશાંત કિશોર ઉર્ફે પી.કે. ફરી ચર્ચામાં છે. કૉંગ્રેસ સાથેના પી.કે.ના રોમાંસનો અચાનક અંત આવી ગયા પછી પી.કે. ખોવાઈ ગયા હતા એવું તો ના કહેવાય પણ રાજકીય ટિપ્પણીઓથી અલિપ્ત ચોક્કસ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર તો એ ખોવાઈ જ ગયા હત એમ કહીએ તો ચાલે કેમ કે પી.કે.એ ૨૬ એપ્રિલે કોંગ્રેસની ઓફર નકારી કાઢી હોવાની જાહેરાત કરી પછી કોઈ ટ્વીટ જ નહોતી કરી.

કૉંગ્રેસ સાથે કેમ વાત જામી નહીં તેની અછડતી વાતો તેમણે કરેલી પણ એ સિવાય બીજું કશું બોલવાનું  ટાળ્યું હતું. તેના કારણે પહેલાં ભાજપ, પછી કૉંગ્રેસ અને પછી જેડીયુ, તૃણમૂલ કોંગ્રેસ, વાયએસઆર કૉંગ્રેસ સહિત અલગ-અલગ રાજકીય પાર્ટીઓના ઈલેક્શન સ્ટ્રેટેજિસ્ટ રહી ચૂકેલા પ્રશાંત કિશોર હવે કઈ તરફ ઢળશે એ સવાલ પૂછાવા લાગેલો.

સોમવારે ટ્વીટર પાછા ફરીને પી.કે.એ આ સવાલનો જવાબ આપ્યો છે. ચોક્કસ જવાબ નથી આપ્યો પણ સંકેત ચોક્કસ આપ્યો છે. પી.કે.એ સંકેત આપ્યો છે કે, હવે પછી પોતે બીજા પક્ષો માટે ચૂંટણીની રણનીતિ નહી બનાવે પણ પોતાની પાર્ટી માટે સ્ટ્રેટેજી તૈયાર કરશે. મતલબ કે, પી.કે. પોતાની પાર્ટી બનાવીને રાજકારણમાં ઝંપલાવી શકે છે.

પી.કે. સોમવારે ટ્વીટ કરીને કહ્યું છે કે, લોકશાહીમાં અર્થપૂર્ણ ભાગીદાર બનવાની અને લોક-લક્ષી નીતિઓ બનાવવામાં મદદરૂપ થવાની મારી ખોજ ૧૦ વર્ષમાં ઘણી ઉતાર-ચઢાવવાળી રહી છે. હવે પેજ પલટાવું છું તો લાગે છે કે, સમસ્યાઓને સારી રીતે સમજવા અને ‘જન સુરાજ’ના રસ્તાને જાણવા માટે ‘રીયલ માસ્ટર્સ’ એટલે કે  અસલી માલિકોની વચ્ચે જવાનો સમય આવી ગયો છે. પ્રારંભ બિહારથી કરીશું. ‘રીયલ માસ્ટર્સ’ એટલે પ્રજા એવો ખુલાસો પણ પી.કે.એ કરી દીધો છે.
પી.કે.ની આ ટ્વીટના ઘણા અર્થ નીકળી શકે છે.

પી.કે.એ પોતાની નવી પાર્ટી ક્યાં સુધીમાં લોન્ચ થશે અને ખરેખર પાર્ટી બનાવીને રાજકારણમાં આવશે કે નહીં એ પણ કહ્યું નથી પણ આ ટ્વીટનો એવો અર્થ કઢાઈ રહ્યો છે કે, પી.કે. પોતાનો રાજકીય પક્ષ સ્થાપી શકે છે. પી.કે. રાજકારણમાં ના આવવા માંગતા હોય ને સમાજસેવા કરવા માગતા હોય એ પણ શક્ય છે. ભૂતકાળમાં પી.કે. નીતિશકુમાર સરકારમાં મહત્ત્વના હોદ્દા પર હતા. નીતિશને ૨૦૧૫માં ફરી જીતાડવામાં પ્રશાંત કિશોરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નીતિશ ફરી સત્તામાં આવશે તો સુશાસન લાવવા માટે શું કરશે તેની બ્લુપ્રિન્ટ પ્રશાંત કિશોરે બનાવી હતી. તેનો અમલ કરવાની જવાબદારી નીતિશે પ્રશાંત કિશોરને સોંપી હતી. પ્રશાંત કિશોર હવે બિહારમાં ફરી નીતિશ સરકાર સાથે જોડાઈને એ જ પ્રકારની કામગીરી કરવા માગતા હોય એ પણ શક્ય છે. પ્રશાંત કિશોર બિહારમાં સામાજિક પરિવર્તન માટેની ચળવળ શરૂ કરે એ પણ શક્ય છે.

પ્રશાંત કિશોર મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પર ચાલતા હોવાનો દાવો કરે છે. એ માટે તેમણે સંગઠન પણ બનાવ્યાં છે. આ પ્રકારની કામગીરી કરતાં સંગઠનોને એકઠાં કરીને પ્રશાંત કિશોર સામાજિક આંદોલન છેડવા માગતા હોય એ પણ શક્ય છે. ગુજરાતમાં ચીમનભાઈ પટેલ સરકાર સામે થયેલા નવનિર્માણ આંદોલનમાંથી પ્રેરણા લઈને લોકનાયક જયપ્રકાશ નારાયણે ૧૯૭૪માં બિહારમાં સરકારના ભ્રષ્ટાચાર સામે આંદોલન છેડેલું. પ્રશાંત કિશોર પણ એ પ્રકારનું આંદોલન છેડવા માગતા હોય એ શક્ય છે.

પ્રશાંત કિશોર ખરેખર શું કરવા માગે છે તેનો  હાલ કોઈ ખુલાસો કર્યો નથી પણ પ્રશાંત કિશોર રાજકારણમાં આવે તો લોકોના કાન તરત સરવા થાય છે તેથી મીડિયાએ એવો અર્થ કાઢ્યો છે કે, પ્રશાંત કિશોર રાજકારણમાં આવશે. એવી વાતો પણ વહેતી કરાઈ છે કે,  પ્રશાંત કિશોર સમગ્ર દેશમાં પાર્ટી લોંચ કરશે.

પ્રશાંત કિશોરના મનમાં ખરેખર શું છે એ કહેવું મુશ્કેલ છે પણ પ્રશાંત કિશોર ખરેખર રાજકારણમાં આવે તો સફળ થાય કે નહીં એ સવાલ મોટો છે. આપણે ત્યાં અત્યારે રાજકારણની જે હાલત છે અને તેનાથી વધારે તો મતદારોની જે માનસિકતા છે એ જોતાં પ્રશાંત કિશોરના સફળ થવાના ચાન્સ ઓછા છે. તેનું કારણ એ કે, ભારતનું રાજકારણ સિધ્ધાંતો કે નિયમો પર ચાલતું નથી. વાસ્તવમા કદી નહોતું ચાલતું પણ છેલ્લા કેટલાંક વર્ષોમાંં સ્થિતી બદથી બદતર થઈ છે.

ભારતમાં જ્ઞાતિવાદને નામે ખેરાત કરીને સત્તા હાંસલ કરવાનો જ ખેલ ચાલે છે. ધર્મના નામે લોકોને વિભાજિત કરીને મત હાંસલ કરવાનો ધંધો ચાલે છે અને રાજકીય પક્ષો બહુ પહેલાંથી પોતપોતાનાં સમીકરણો ગોઠવીને બેઠા છે. ભાજપ હિંદુવાદી મતબેંક પર નિર્ભર છે તો પ્રાદેશિક પક્ષો પ્રદેશવાદ, જ્ઞાતિવાદ અને મફતની ખેરાતોના જોરે દુકાન ચલાવે છે. દરેકના પોતપોતાના ગરાસ છે ને એ ગરાસ લૂંટવા અઘરા છે.

પ્રશાંત કિશોર એક સફળ ચૂંટણી વ્યૂહરચનાકાર છે એ સાચું પણ એવા વ્યૂહરચનાકાર છે કે જે પહેલાં જ બધું લૂંટાવીને બેઠા છે. પ્રશાંત કિશોરે ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કામ કરેલું. મોદી તેમના કામથી પ્રભાવિત થયા પછી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ પ્રશાંત કિશોરે મોદી માટે કામ કરેલું. ૨૦૧૪માં મોદી જીત્યા ને વડા પ્રધાન બન્યા તેનો જશ પ્રશાંત કિશોરને પણ અપાયેલો.

જો કે મોદી સાથે લાંબું ના ચાલતાં પછી પી.કે. એ વખતે ભાજપના વિરોધી નીતિશ કુમાર સાથે ગયા ને બિહારમાં નીતિશને સામા પ્રવાહે તરાવીને જીતાડેલા. પ્રશાંત કિશોર એ પછી વિધાનસભાઓની ચૂંટણીમાં ઘણાં સફળ કેમ્પેઈન કર્યાં છે.

બિહારમાં નીતિશ-તેજસ્વીથી શરૂ કરીને છેલ્લે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનાં કેમ્પેઈન સંભાળીને પ્રશાંત કિશોરે તેમને જીતાડ્યા છે. વચ્ચે આંધ્રમાં જગન મોહન રેડ્ડી,  તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિન, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પણ પ્રશાંત કિશોરની સેવાનો લાભ લઈને જીતી ગયા.  પ્રશાંત કિશોરે આ ચૂંટણી અભિયાનો દરમિયાન પોતાની બધી વિદ્યાઓ નેતાઓને આપી દીધી છે. નેતાઓ પ્રશાંત કિશોર સામે તેનો જ ઉપયોગ કરીને તેમને ના ફાવવા દે એ જોતાં પ્રશાંત કિશોરે આ વખતે પણ સોનાની જાળ પાણીમા નાખવા જેવી નથી.