ગુજરાત કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી પદ માટે ચહેરો કોણ…???

ગુજરાતમાં હજી ચૂંટણીની જાહેરાત થઇ નથી પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં મુખ્યમંત્રીનો ઉમેદવાર નક્કી કરવાની હોડ જામી છે. ગુજરાતના કોંગ્રેસના ટોપ કેડરના નેતાઓની હાલત લોટરી ખરીદનારા લોકો જેવી જ છે. જે લોકો લોટરી ખરીદે છે તેઓ છેલ્લે સુધી તેમની જ લોટરી લાગશે તેવા ખયાલી પુલાવ બનાવવા લાગે છે. એટલું જ નહીં પરંતુ લોટરી લાગશે જ તેમ વિચારીને ફ્લેટ, કાર ખરીદવાનું આયોજન કરી નાંખે છે. અને લોટરી લાગેને થોડા ગણા રૂૂપિયા બચી જાય તો પરિવારજનોને વિદેશ ટુરનો પણ વાયદો કરી દે છે.
ગુજરાતના કોંગ્રેસના નેતાઓની હાલત પણ લોટરી ખરીદનારાઓથી અલગ નથી. ગુજરાતમાં એક તરફ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. જયારે નારાજ ચાલતા હાર્દિક પટેલ હવે પોતે કોંગ્રેસમાં છે તેવું કહી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસમાં સીએમ પદની રેસના મામલે પાર્ટીના સીનિયર અગ્રણી ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યુ છે. સોલંકીએ કહ્યું હતું કે, હાર્દિક પટેલ કે નરેશ પટેલ મુખ્યમંત્રી બને તો, તેની સામે મને કોઈ વાંધો જ નથી, હકીકતમાં કોંગ્રેસનો મુખ્યમંત્રી બને તેનો મને આનંદ છે.

જો કે ગુજરાતમાં ચૂંટણી યોજાય તે પહેલા જ રાજનિતીમાં બહુ મોટી ઉથલ પાથલ થવાની છે. હવે વાત કરીએ કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવાના સપના જોતા બીજા એક મુરતિયાની તો તે છે નરેશ પટેલ. ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલે રાજનીતિમાં જોડાવવું કે કેમ? તે મુદ્દે હજુ અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને ખોડલ ધામમાં છેલ્લા બે દિવસથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં વડીલોએ એવો સૂર વ્યક્ત કર્યો છે કે, તમારે રાજનીતિમાં જવું જોઈએ નહીં.
બીજી તરફ ખોડલ ધામ સાથે સંકળાયેલા પાટીદાર સમાજના યુવકોએ એવો સૂર વ્યકત્ત કર્યો છે કે નરેશ પટેલે રાજનીતિમાં જોડાવવું જોઈએ. ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક બાદ નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીમાં કહ્યું હતું કે, હજુ સર્વેની કામગીરી ચાલી રહી છે, ચાલુ માસના અંત સુધીમાં હું મારો નિર્ણય જાહેર કરીશ. હવે નિર્ણય જાહેર કરવામાં બહુ સમય નહીં લાગે.

હાર્દિક પટેલ પણ મુખ્યમંત્રી બનવાના સપના જોઇ રહ્યાં છે પરંતુ, તેઓ સીધો દાવો કરી રહ્યાં નથી. હા એક વખત ચોકક્સ એવું કહી ચૂક્યા છે કે, તેઓ ચૂંટણી ચોક્કસ જ લડશે. ગુજરાતમાં બે જ સબળ પક્ષ છે એક કોંગ્રેસ અને બીજો ભાજપ. આ બે પક્ષ સિવાય કોઇપણ પક્ષને ગુજરાતની જનતા સ્વીકારતી નથી. આમ આદમી પાર્ટી હવે પગપેસારો કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ સુરતની સ્થાનિક ચૂંટણી સિવાય તેમને કશે સફળતા મળી નથી તે પણ સનાતન સત્ય છે.