દિલ્હી-જયપુર હાઇવે પર અકસ્માતમાં ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મી અને એક આરોપી સહિત કુલ પાંચના મોત…
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના એક જમાદાર અને ત્રણ કોન્સ્ટેબલ સહિત 4 પોલીસકર્મી અને એક આરોપી સહિત કુલ પાંચ ના દિલ્હી-જયપુર હાઇવે પર અકસ્માતમાં મોત નિપજ્યાછે. આ બનાવથી ભાવનગર પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
અકસ્માત અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના એક જમાદાર અને 3 કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મીઓ ઘરફોડ ચોરીના કેસ અંગે તારીખ 8મીના રોજ દિલ્હી તપાસ અર્થે ગયા હતા અને એક આરોપીને લઈ પરત ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના જયપુર નજીક શાહપુરા હાઇવે પર વાહન અકસ્માત સર્જાયો હતો. તેમનું વાહન વૃક્ષ સાથે અથડાઈ પડયું હતું અને ચારેય પોલીસ કર્મી તથા આરોપી સહિત પાંચના કરૃણ મોત નિપજ્યા હતા .આ બનાવને લઇ ભાવનગર ના અધિકારીઓ જયપુર જવા માટે રવાના થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચારેય પોલીસ કર્મચારીઓ શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેમાં ભીખુભાઈ બુકેરા (કોન્સ્ટેબલ) શક્તિસિંહ ગોહિલ (કોન્સ્ટેબલ) મનસુખભાઈ બાલધિયા (હેડ કોન્સ્ટેબલ)અને ઇરફાનભાઈ અગવાન (કોન્સ્ટેબલ) નો સમાવેશ થાય છે.
આ બનાવની જાણ થતાં ભાવનગર પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. અકસ્માતના બનાવ અંગે રાજસ્થાનના ઝાંઝરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
સોમવારે રાત્રે બે વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. બેકાબુ કાર ડિવાઇડર પર ચડી કાર સાથે અથડાઇ હતી. જેથી ફોરચ્યુનર કારનો ભુક્કો બોલી ગયો હતો. પોણો કલાક હાઈવે પર ટ્રાફિક જામ રહ્યો હતો. જયપુર-દિલ્હી હાઇવે પર નિઝારના વળાંક વળાંક પાસે આ બનાવ બન્યો હતો. ડ્રાઈવરને ‘ઝોકુ’ આવી ગયાનું પોલીસનું અનુમાન છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શાહપુરા હોસ્પિટલમાં લઇ જવાયા છે.