ક્રુડતેલનાં ભાવ ચાલુ વર્ષનાં મધ્યમાં 120 ડોલર પ્રતિ બેરલ થવાની શક્યતા : બેન્ક ઓફ અમેરિકાની ધારણા

વૈશ્વિક બજારમાં ક્રુડતેલનાં ભાવ વધીને સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા છે. યુક્રેન-રશિયા વચ્ચેની તંગદીલીને પગલે બ્રેન્ટ સોમવારે વધીને 95 ડોલરની સપાટી નજીક પહોંચ્યું છે ત્યારે હવે એનાલિસ્ટો દ્વારા 100 ડોલર ઉપરનાં ભાવ થવાની આગાહીઓ આવી રહી છે.

બેન્ક ઓફ અમેરિકાએ જણાવ્યું હતું કે, બ્રેન્ટ ક્રુડતેલનાં ભાવ ચાલુ વર્ષનાં મધ્યમાં 120 ડોલર પ્રતિ બેરલની સપાટી પર પહોંચી શકે છે. તેમણે નોંધ્યું હતું કે, કેટલાક દેશની અર્થવ્યવસ્થાએ ધબકી રહી છે પરંતુ ક્રુડતેલની માંગ હજી મહામારી પહેલાંના સ્તરે પહોંચી નથી, પરિણામે આવા દેશોની માંગ વધવાની સંભાવના છે.

જો કે બેન્ક ઓફ અમેરિકા એવી પણ અપેક્ષા રાખે છે કે, ડોલર મજબૂત રહેશે, જે એક કારણ છે કે બ્રેન્ટનાં ભાવ 2022નાં છ માસિકગાળાનાં અંત પહેલા ઘટીને 80 ડોલર સુધી આવી શકે છે. ગોલ્ડમેન સેશના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આ વર્ષના અંતમાં બ્રેન્ટના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર વધવાની ધારણા છે.

ઓમીક્રોન કોરોના વાયરસની અસર ધારણાં કરતાં ઓછી થઈ છે અને તેને કારણે જે માંગ ઘટી તેનાં કરતાં પુરવઠો વધ્યો ઘટયો હોવાની ખાધ મોટી છે. ગોલ્ડમેનનાં મતે 2022નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં બ્રેન્ટના ભાવ પ્રતિ બેરલ 90 ડોલર, બીજા કવાર્ટરમાં 95 ડોલર અને છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં 100 ડોલરનાં સરેરાશ ભાવની ધારણા છે.