રશિયાની યુક્રેન પર હુમલાની આશંકા : ભારતીય નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ…
ભારતે પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપી છે. ખાસ કરીને યુક્રેનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને પરત દેશમાં ફરવાનું કહ્યું છે. અમેરિકા, બ્રિટન, જાપાન જેવા દેશોએ તો અગાઉથી જ તેમના નાગરિકોને યુક્રેન છોડવા માટે કહી દીધું છે.
યુક્રેનની રાજધાની કીવ સ્થિત ભારતીય દૂતાવાસે (એમ્બેસી) ભારતીય નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપી છે. મંગળવારે દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને યુક્રેનમાં રહી રહેલા ભારતીય નાગરિક, ખાસ કરીને છાત્ર જેમનું અહીં રોકાવું જરૂરી નથી તેઓ અસ્થાયીરૂપથી અહીંથી નીકળવા પર વિચાર કરી શકે છે. ભારતીય નાગરિકોથી અનુરોધ છે કે તેઓ યુક્રેનમાં તેમની હાજરી અંગે દૂતાવાસને જાણ કરે, જેથી જરૂર પડવા પર તેમના સુધી પહોંચી શકાય.
નોંધનીય છે કે યુક્રેનમાં યુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. રશિયાએ ત્રણેય બાજુથી યુક્રેનને ઘેરી લીધું છે. યુક્રેન અને રશિયાની બોર્ડર પર બંને દેશોએ તેમના સૈનિકો તૈનાત કર્યા છે. યુક્રેનમાં ભારતના લગભગ 20,000 નાગરિકો છે, જેમાં 18,000 જેટલા તો ફકત વિદ્યાર્થીઓ જ છે.