દેશનું નીરવ મોદી અને માલ્યાના કૌભાંડ કરતાં પણ મોટું બેંક કૌભાંડ : સુરતની કંપની એબીજી શિપયાર્ડે બેંકોનું 23,000 કરોડનું કરી નાખ્યું…!!!
બેંક ફ્રોડ (છેતરપિંડી) મામલે વિજય માલ્યા અને નીરવ મોદીનું નામ સૌથી ઉપર હતું, પણ આ વચ્ચે જ હવે એક નવું કૌભાંડ સામે આવ્યું છે જેણે માલ્યા-મોદી બંનેને પાછળ છોડી દીધા છે.
જી, હા અમે વાત કરી રહ્યા છીએ એબીજી શિપયાર્ડ દ્વારા કરવામાં આવેલા કૌભાંડની. આ બેંક ફ્રોડ આશરે 23,000 કરોડ રૂપિયાનો છે. વિજય માલ્યાએ નવ હજાર કરોડ અને નીરવ મોદીએ 14 હજાર કરોડની છેતરપિંડી કરી છે, પણ એબીજીએ તો 23,000 કરોડનું કૌભાંડ કરી નાખ્યું છે.
સુરતની કંપની એબીજી શિપયાર્ડે કરેલું આ મોટું કૌભાંડ સામે આવ્યા બાદ વિપક્ષને પણ કેન્દ્ર સરકારને ઘેરવા માટેનો એક મોટો મુદ્દો મળ્યો છે. સીબીઆઇએ આ મામલે કાર્યવાહી કરતા કંપનીના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત આઠ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
રિપોર્ટ અનુસાર એબીજી શિપયાર્ડ લિમિટેડે દેશની અલગ-અલગ બેંકો પાસેથી બિઝનેસના નામે 22,842 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કહેવાઇ કહ્યું છે કે ઋષિ કમલેશ અગ્રવાલ દેશ છોડીને ભાગી ગયા છે. હાલમાં તેઓ સિંગાપુરમાં રહી રહ્યા છે.
કઈ બેંક પાસેથી કેટલા લીધા
આઈસીઆઈસીઆઈ | 7,089 કરોડ |
આઇડીબીઆઈ | 3,634 કરોડ |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા | 2,468.51 કરોડ |
બેંક ઓફ બરોડા | 1,614 કરોડ |
પંજાબ નેશનલ બેંક | 1244 કરોડ |
ઈન્ડિયન ઓવરસીઝ બેંક | 1,228 કરોડ |
આ કંપનીને લઇને કેન્દ્ર સરકારને ઘેરતા કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે બેન્ક ડિફોલ્ટર્સની લાંબી યાદીમાં નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી, વિજય માલ્યા, જતીન મહેતા, ચેતન સાંડેસરા સાથે હવે ઋષિ અગ્રવાલનું નામ પણ જોડાઇ ગયું છે. 2007માં એબીજી કંપનીને ગુજરાત સરકારે 1.21 લાખ ચો. મી. જમીન ફાળવી હતી ત્યારે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. મોદી સરકાર ‘લૂંટો અને ભાગો’ યોજના ચલાવી રહી છે.