શું આ છે હિંદુ સંસ્કાર…?!? શું આ છે ભારતીય સંસ્કાર…?!? એક મુખ્યમંત્રી દેશના એક રાજકીય પક્ષના મહિલા પ્રમુખના ચારિત્ર્ય સામે સવાલ કરે…!!!

ભારતમાં રાજકારણનું સ્તર નીચું જતું જાય છે અને દેશહિતના મુદ્દાને બદલે અંગત પ્રહારો કરવાનું જોર વધતું જાય છે. રાજકારણીઓને સાવ હલકી કક્ષાની વાતો કરવામાં પણ શરમ આવતી નથી અને તેમાં પણ ચૂંટણી આવે ત્યારે તો બધી મર્યાદા નેવે મૂકી દેવાય છે. આપણે ત્યાં હમણાં ચૂંટણીનો રંગ જામ્યો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ ચૂંટણીના પ્રચારમાં રાજકીય પક્ષો પૂરી તાકાત લગાવી રહ્યા છે ને તેમાં  સાવ હલકી કક્ષાની વાતો કરવાની હોડ શરૂ થઈ ગઈ છે. એકબીજા વિશે સાવ ગંદી કહેવાય એવી કોમેન્ટ્સ થઈ રહી છે ને તેમાં આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમા બધાંને ટપી ગયા છે.

સરમા ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી છે તેથી ભાજપે તેમને ઉત્તરાખંડમાં સ્ટાર પ્રચારક બનાવ્યા છે. ઉત્તરાખંડમાં લશ્કરી જવાનો વધારે છે ને દરેક ઘરમાંથી કોઈ ને કોઈ લશ્કરમાં હોય જ છે. ભાજપ સહિતના રાજકીય પક્ષો આ કારણે ઉત્તરાખંડમાં લશ્કરી જવાનોના કલ્યાણને લગતા મુદ્દે પ્રચાર કરે છે. સરમા શુક્રવારે ઉત્તરાખંડમાં પ્રચાર કરતાં હતાં ત્યારે તેમણે આ જ કારણે સર્જિકલ સ્ટ્રાઈકનો મુદ્દો ઉઠાવ્યો. ઉત્તરાખંડમાં મુખ્ય જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે તેથી ભાજપના બધા નેતા રાહુલ ગાંધીને નહેરુ-ગાંધી ખાનદાન વિશે મનફાવે તેમ બોલે છે. રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલો કરીને દેશદ્રોહનું કામ કર્યું છે એવો પ્રચાર ભાજપના નેતા વરસોથી કરે છે.

સરમાએ પણ એ જ વાત કરી અને સર્જિકલ સ્ટ્રાઈક વિશે પૂરાવા માંગવા બદલ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી. રાહુલ ગાંધી કોરોનાની રસીની અસરકારકતા સામે સવાલો કરે છે એ મુદ્દે પણ સરમાએ રાહુલ ગાંધીને બરાબર ઝાટક્યા. વાત ત્યાં સુધી બરાબર હતી પણ એ પછી સરમાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિશે જે સાવ ગંદી વાત કરી એ સાંભળીને ભાજપના નેતા પણ આઘાત પામી ગયા. સરમાએ સવાલ કર્યો કે, રાહુલ આપણને સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી તેના વિશે સવાલ કરે છે પણ આપણે રાહુલ ગાંધીને કદી સવાલ કર્યો છે ખરો કે, તમે ખરેખર રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં ?

આપણે ત્યાં કોઈ વ્યક્તિના પિતા વિશે સવાલ કરો તેનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી. આ સવાલ કરનાર એ વ્યક્તિની માતા સામે સવાલ કરે છે, માતાના ચારિત્ર્ય સામે શંકા કરે છે. સરમાએ રાજીવ ગાંધી રાહુલ ગાંધીના પિતા છે તેનો કદી પુરાવો નથી માંગ્યો એવું કહીને આડકતરી રીતે સોનિયા ગાંધીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી દીધા છે. એક મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ આ પ્રકારની વાત કરે, આવી ગંદકી જાહેરમાં ઠાલવે એ ખરેખર આઘાતજનક કહેવાય. સરમાએ આ કોમેન્ટ કરીને પોતાનામાં સ્ત્રી દાક્ષિણ્ય નથી તેનો તો પુરાવો આપી જ દીધો છે પણ પોતે મુખ્યમંત્રીપદને લાયક નથી એ પણ સાબિત કરી દીધું છે. સરમાએ વિવેકભાનને સાવ કોરાણે મૂકીને મુખ્યમંત્રીપદને લજવ્યું છે.

સરમાની ટીપ્પણી સાંભળીને લાગેલા આઘાત કરતાં વધારે આઘાત આ મુદ્દે ભાજપ નેતાગીરીની ચૂપકીદીથી લાગે છે. હરામ બરાબર ભાજપનો એક નેતા પણ સરમાની હલકટાઈની ટીકા કરવા માટે બહાર આવ્યો હોય તો. ભાજપ હિંદુ સંસ્કૃતિની વાતો કરે છે, હિંદુ સંસ્કારોની વાતો કરે છે ને સ્ત્રીને માતા સમાન ગણવાની ડંફાશો મારે છે.  આ પાર્ટીના એક મુખ્યમંત્રી દેશના એક રાજકીય પક્ષના પ્રમુખના ચારિત્ર્ય સામે સવાલ કરે છે ત્યારે ભાજપના નેતા મોંમાં મગ ઓરીને બેસી ગયા છે. વાત વાતમાં હિંદુ સંસ્કૃતિની દુહાઈ આપનારાને જ્ઞાન પિરસવા બેસી જનારા ભાજપના હિંદુત્વના ઠેકેદારોને સરમાની હલકટાઈમાં કશું ખોટું નથી લાગતું એ શરમજનક કહેવાય.

મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ આવી ગંદી અને છિછરી કોમેન્ટ કરે ને ભાજપના નેતા સરમાને ટપારે પણ નહીં એ જોયા પછી તો ભાજપના નેતા હિંદુ છે કે કેમ તેમાં પણ શંકા જાગે. તેનું કારણ એ જ કે, આ હિંદુ સંસ્કાર નથી, ભારતીય સંસ્કાર નથી. આપણા સંસ્કાર તો સ્ત્રીને સન્માન આપવાના છે, તેના ચારિત્ર્ય સામે શંકા કરવાના છે જ નહીં. કોઈનો બાપ કોણ તેના પુરાવા માંગવાના છે જ નહીં ને એવું કોઈ કરે તો તેનો અવાજ ઉઠાવવાનો હોય. તેના બદલે ભાજપના નેતા સાવ ચૂપ છે. સરમા સામે પગલાં લેવાની વાત તો છોડો પણ તેની ટીકા કરવાની પણ તસદી કોઈએ લીધી નથી.

સરમાની કોમેન્ટ સાવ હલકી કક્ષાની છે તેમાં શંકા નથી પણ કમનસીબે આપણે ત્યાં આ પ્રકારની ટીકા કરવાનું વલણ વધતું જાય છે એ પણ ચિંતાજનક છે. સરમાએ રાહુલ ગાંધી સામે ગંદી વાત કરી તેથી કૉંગ્રેસી નેતા તૂટી પડ્યા છે. કોંગ્રેસીઓ સરમાની ઝાટકણી કાઢી રહ્યા છે ને  સરમાએ આસામની સંસ્કૃતિને ઝાંખપ લગાડી હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતા કરી રહ્યા છે. ભાજપ વિરોધી પક્ષો પણ સરમાની ટીકા કરવામાં જોડાયા છે અને  સરમાની ટીપ્પણીને બીલો ધ બેલ્ટ ગણાવી રહ્યા છે. કમનસીબી એ છે કે, કોંગ્રેસ સહિતના પક્ષોના નેતા પણ વિવેકભાન રાખતા નથી ને ભરડવા બેસે ત્યારે સરમાએ કરી એવી કોમેન્ટ્સ કરી જ નાંખે છે.

આપણે ત્યાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આવી ગંદી વાત ઊડીને આંખે વળગે એવા સેમ્પલ જોવા મળે છે. છેલ્લે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પણ આ રીતે જ ગંદી વાતોનો મારો ચાલ્યો હતો. આઘાતજનક વાત એ હતી કે, આપણા વડાપ્રધાન પોતે આ ગંદવાડ ફેંકવાની પ્રવૃત્તિમાં હોંશે હોંશે ભાગ લઈ રહ્યા હતા.  બલ્કે સાચું કહીએ તો એ જ આ પ્રવૃત્તિના પ્રણેતા હતા.  મોદી ચૂંટણીસભાઓમાં જે રીતે વર્તતા હતા એ જોયા પછી ભાજપના હિંદુ સંસ્કારો વિશે શંકા જાગી હતી. મમતા બેનરજીને સંબોધીને મોદી ‘દીદ્દી ઓ દીદ્દી’ જે લહેકામાં બોલતાં હતાં એ સાંભળીને આઘાત લાગે. નરેન્દ્ર મોદી ૭૦ વર્ષના છે ને મમતા ૬૫ વર્ષનાં છે, મોદીથી પાંચ વર્ષ નાનાં છે. મોદી ને ભાજપના નેતા ભારતીય સંસ્કૃતિની વાતો કરે છે પણ એ પ્રમાણે વર્તતા નહોતા. પોતાનાથી નાની એક મહિલાના આ રીતે ચાળા પાડવા કે તેને માટે અપમાનજનક ભાષા વાપરવા એ કઈ સંસ્કૃતિ છે તે ખબર નથી પણ ભારતીય સંસ્કૃતિ તો નથી જ.

મોદી પોતાની ઉંમરનું ગૌરવ રાખ્યા વિના જે રીતે વર્તતા હતાં એ જોઈ ખરેખર શરમ આવે. મોદી આપણા વડાપ્રધાન છે ને આપણે તેમના હોદ્દાનું ગૌરવ જાળવીને તેમના વિશે ઝાઝું ના બોલવું જોઈએ પણ મોદીનું વર્તન યોગ્ય નહોતું જ સામે તૃણમૂલ કોંગ્રેસ ને કોંગ્રેસના નેતા પણ એ રીતે જ વર્તા હતા. તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાએ મોદીને સાઈડ સ્ટ્રીટ ફેલો’ ગણાવ્યા હતા. મહુઆએ મોદી માટે બંગાળી શબ્દ ‘રોક-એર છેલે’ વાપર્યો છે અને તેનો અર્થ થાય છે, ગલીના નાકે દીવાલ પર બેસીને આવતી-જતી દરેક સ્ત્રીને છેડતો લોફર.

મહુઆએ જે શબ્દો વાપર્યા એ પણ આઘાતજનક હતા. દેશના વડાપ્રધાન માટે આવા શબ્દો ના વપરાય.  ભાજપના નેતા જે ભાષા બોલતા હતા એ  ભાષામાં મહુઆએ જવાબ આપીને હલકટાઈનો પરચો આપ્યો હતો.  બંગાળની ચૂંટણી વખતે મમતા બેનરજી પગમાં ઈજા થયા પછી સ્ટ્રેચર પર ફરે છે તેની સામે ભાજપના ટોચના નેતા દિલીપ ઘોષે કરેલી કોમેન્ટ તેનો નાદાર નમૂનો છે. ઘોષે એવી કોમેન્ટ કરી કે, મમતાને પોતાની ટાંગો બતાવવાનો એટલો જ શોખ હોય તો તેમણે બરમુડા પહેરીને ફરવું જોઈએ. આ તો ત્રણેક ઉદાહરણ આપ્યાં પણ આ પ્રકારની ગંદી કોમેન્ટ્સનો મારો ચાલ્યો જ હતો.

છેલ્લા એક દાયકામાં દરેક ચૂંટણીમાં આ જ માહોલ જોવા મળે છે. છેલ્લા દાયકામાં દેશના રાજકારણનું ઘોર પતન થયું છે અને તંદુરસ્ત હરિફાઈનું સ્થાન ઝેર ઓકીને હરિફને મહાત કરવાની ગંદી પ્રવૃત્તિએ લઈ લીધું છે તેનો આ પ્રભાવ છે.  એક સમય હતો કે જ્યારે રાજકારણીઓ ચૂંટણી પ્રચારમાં મુદ્દા આધારિત વાત કરતા. વિપક્ષો સરકારી પાંચ વર્ષની કામગીરીને મુદ્દો બનાવતા ને શાસકપક્ષ વિપક્ષોની વહીવટી અણઘડતા, બિનઅનુભવ વગેરેની વાતો કરતા. એકબીજાની અંગત જીંદગીમાં શું ચાલે છે તેની વાત કરવી અવિવેક ગણાતો.  બધા નેતા એક લક્ષ્મણરેખા બાંધીને જ વર્તતા. કોઈના પર પણ વ્યક્તિગત આક્ષેપો નહીં કરવા કે અંગત જીદંગીની વાતોને મોટી બનાવીને કીચડ ના ઉછાળવો એ વણલખ્યો નિયમ હતો અને બધા રાજકીય પક્ષો તેનું પાલન કરતા.

હવે આ લક્ષ્મણરેખા ઓળંગવામાં બહાદુરી ગણાય છે.