અભિનેત્રી રવીના ટંડનના પિતા અને ફિલ્મ દિગ્દર્શક રવિ ટંડનનું નિધન….

અભિનેત્રી રવીના ટંડનના પિતા અને ફિલ્મ દિગ્દર્શક રવિ ટંડનનું શુક્રવારે સવારે મુંબઈમાં નિધન થઇ ગયું. આ અંગેની જાણકારી રવીના ટંડને પોતે સોશિયલ મીડિયા પર આપી હતી. રવિ ટંડન 87 વર્ષના હતા.

આગરામાં જન્મેલા રવિ ટંડને અમિતાભ બચ્ચનને લઇને ‘મજબૂર’ અને ‘ખુદ્દાર’ જેવી હિટ ફિલ્મો બનાવી છે. એમની શરૂઆતની ફિલ્મોમાં ‘અનહોની’ અને ‘ખેલ ખેલ મેં’ સામેલ છે. સંજીન કુમારના નજીકના મિત્રોમાં સામેલ રહેલા રવિ ટંડને ફિલ્મ દિગ્દર્શક આર કે નય્યરના આસિસ્ટન્ટના રૂપમાં કામ શરૂ કર્યું હતું.

ફિલ્મ ‘લવ ઇન શિમલા’ અને ‘યે રાસ્તે હૈ પ્યાર કે’માં ફિલ્મ દિગ્દર્શનની બારીકીઓ શીખ્યા બાદ રવિ ટંડને દિગ્દર્શક તરીક પહેલી ફિલ્મ ‘અનહોની’ બનાવી. આ ફિલ્મમાં સંજીવ કુમારના અભિનયની પ્રશંસા હજુ થાય છે. એ પછી એમણે ઋષિ કપૂરને લઇને ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ બનાવી. આની રિમેક તરીકે અક્ષય કુમારની ફિલ્મ ‘ખિલાડી’ બની હતી.

રવિ ટંડનનું નિધન તેમના ઘરમાં જ શુક્રવારે સવારે આશરે પોણા ચાર વાગ્યે થયું. રવીના ટંડને તેની પિતાની તસવીર શેર કરીને સોશિયલા મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી હતી કે ‘પપ્પા તમે હંમેશા મારી સાથે રહેશો. હું કયારેય તમારો સાથ નહીં છોડું. લય યૂ પપ્પા.’ ફિલ્મ જગતના તમામ લોકો તેની આ પોસ્ટ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.