ગુજરાત ભાજપ સરકારે દેશમાં સૌથી વધુ 1017 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવી હતી : રાજય સરકારે આ ટ્રેન દોડાવવા માટે રેલ્વેને રૂ.102 કરોડ ચુકવ્યા હતા…!!!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સંસદમાં રાષ્ટ્રપતિના પ્રવચન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા એવું જણાવ્યું કે, મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે વાસ્તવમાં અહી કોંગ્રેસ સૌથી જુનીયર પક્ષ છે અને ત્રણ પક્ષોની મહાઅઘાડી સરકાર છે, લોકડાઉન સમયે જે પરપ્રાંતિય મજદૂરોએ વતન જવાની વાટ પકડ હતી. તેઓને રોકવાના બદલે મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે રેલ્વેની ટિકીટ આપીને રવાના કર્યા હતા અને તે રીતે ઉતરપ્રદેશ, પંજાબ, ઉતરાખંડ (જયાં હાલ ચૂંટણી છે) માં કોરોના ફેલાવ્યો હતો.
પરંતુ ફકત મહારાષ્ટ્ર જ નહી. ગુજરાતમાં પણ રાજય સરકારે રેલ્વેને વિનંતી કરીને ખાસ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં પરપ્રાંતીય મજુરો માટે દોડાવવા કેન્દ્રના રેલ્વે મંત્રાલયને વિનંતી કરી હતી અને મહારાષ્ટ્ર નહી ગુજરાત જયાં ભાજપ સરકાર છે. તેણે દેશમાં સૌથી વધુ 1017 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવી હતી અને 15.18 લાખ શ્રમિકોને તેમના વતન પરત મોકલ્યા હતા અને તેની ટિકીટ પણ રાજય સરકારે ભોગવી હતી.
રસપ્રદ બાબત એ છે કે, આ પ્રકારની કામગીરી માટે ગુજરાત સરકાર ગૌરવ લે છે પણ મહારાષ્ટ્ર સરકારને તે જ કાર્ય બદલ સંસદમાં વડાપ્રધાન રાજકીય ફટકાર મારે છે. ખુદ ગુજરાત લેબર વિભાગ કબુલે છે કે વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવીઝને 260 ખાસ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવી હતી અને રૂ.24.87 કરોડની કમાણી કરી હતી. મે-2020માં આ રીતે 3.81 લાખ પરપ્રાંતિય કામદારોને પરત મોકલ્યા હતા. આ આંકડાને અમદાવાદ રેલ્વે ડીવીઝનના જે.કે.જયંતે પણ સમર્થન આપ્યું હતું.
ગુજરાતમાં લોકડાઉન બાદ પહેલા શ્રમિકોની હિજરત અટકાવવા પ્રયાસ થયા હતા પણ તે શકય નહી હોવાથી ખુદ રાજય સરકારે પહેલા સખાવતી સંગઠનોને ટિકીટના નાણાની વ્યવસ્થા કરવા જણાવીને આ પરપ્રાંતીયોને પરત મોકલ્યા હતા અને બાદમાં ખુદ સરકારે જ રેલ્વે મંત્રાલયને વિનંતી કરી ખાસ ટ્રેનો દોડાવી હતી અને તે સમયે ગુજરાતે એવું ગૌરવ લીધું છે કે દેશમાં આઝાદી બાદનું આંતરિક આયોજીતમાં સૌથી મોટું માઈગ્રેશન રાજય સરકારે કર્યુ છે.
કુલ 1017 શ્રમિક સ્પે. ટ્રેનો દોડી, 15.18 લાખ પરપ્રાંતિય પરત ગયા અને રેલ્વેએ કમાણી કરી. છેલ્લી ટ્રેન 1 જૂનના રોજ પરત ગઈ હતી તો વેસ્ટર્ન રેલ્વેએ કુલ 1229 ટ્રેનો દોડાવી હતી અને 18.49 લાખ કામદારોને પરત મોકલ્યા હતા. જેમાં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ, ગુજરાતનો સમાવેશ થાય છે અને ગુજરાત તેમાં ટોચમાં હતું. અમદાવાદ ડિવિઝનની 260 ટ્રેનો, ભાવનગર ડિવિઝનથી 30 અને રાજકોટ ડિવીઝનથી 117, વડોદરા ડિવિઝનથી 100 અને મુંબઈ ડિવિઝનથી 716 ટ્રેનો દોડી હતી. જયારે મધ્યપ્રદેશના રતલામથી 6 ટ્રેનો દોડી હતી.
બસ અને અન્ય વાહનોથી તા.24 માર્ચથી 14 મે સુધીમાં 1.8 લાખ પરપ્રાંતીય કામદારોએ જાંબુઆ ચેકપોષ્ટ પાર કરી હતી. જયાં સુધી ગુજરાત સરકારનો પ્રશ્ન છે ત્યાં સુધી રાજય સરકારે આ ટ્રેન દોડાવવા માટે રેલ્વેને રૂ.102 કરોડ ચુકવ્યા હતા જે સતાવાર માહિતી છે.