લખીમપુર ખીરી કાંડના આરોપી આશીષ મિશ્રા ઉર્ફ મોનુને હાઇ કોર્ટની લખનઉ બેન્ચે જામીન આપ્યા…

લખીમપુર ખીરી કાંડના આરોપી આશીષ મિશ્રા ઉર્ફ મોનુ હવે જલદી જેલમાંથી બહાર આવશે. હાઇ કોર્ટની લખનઉ બેન્ચે આજે ગુરુવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રાને જામીન આપી દીધા છે. આને લઇને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

આ આદેશ જસ્ટિસ રાજીવ સિંહની સિંગલ બેન્ચે આપ્યો છે. 18મી જાન્યુઆરીએ લખનઉ બેન્ચે સુનાવણી બાદ તેમનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. આશીષ મિશ્રા પર લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયા ગામમાં ગયા વર્ષે ત્રીજી ઓક્ટોબરે પ્રદર્શનકારી ખેડૂતોને જીપથી કચડી મારવાનો આરોપ છે.

નોંધનીય છે કે આ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીએ તેની તપાસમાં નોંધ્યુ હતું કે ખેડૂતોને ગાડી નીચે કચડીને મારી નાખવાની ઘટના એક સમજી વિચારીને કરવામાં આવેલું ષડ્યંત્ર હતું. એ પછી એસઆઇટીએ 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આશીષ મિશ્રાને હત્યાનો આરોપી બનાવવામાં આવ્યો હતો. એસઆઇટી દ્વારા કુલ 16 લોકોને આ ઘટનામાં આરોપી બનાવવામાં આવ્યા હતા.

ગયા વર્ષે લખીમપુર ખીરીના તિકુનિયામાં ચાર ખેડૂતોને એક એસયૂવી કાર નીચે કચડી નાખવામાં આવ્યા હતા, જયારે તેઓ એક કાર્યક્રમમાં કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ઘટના બાદ થયેલી હિંસામાં પણ કેટલાક લોકો માર્યા ગયા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે આ કાર અજય મિશ્રા ટેનીની હતી અને તેમાં તેનો દીકરો આશીષ મિશ્રા ટેની હતો.