પંજાબમાં સીએમના ચહેરાની જાહેરાત બાદ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનું દર્દ છલકાઇને બહાર આવ્યું….

કૉંગ્રેસે પંજાબમાં સીએમ પદના ઉમેદવાર તરીકે વર્તમાન મુખ્ય પ્રધાન ચન્નીની પસંદગી કરી છે. સીએમના ચહેરાની જાહેરાત બાદ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનું દર્દ છલકાઇને બહાર આવ્યું છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર ચર્ચામાં છે. સિદ્ધુએ બુધવારે એક વીડિયો ટ્વિટ કરીને પોતાને પંજાબનો સાચો પુત્ર હોવાનો દાવો કર્યો છે. સિદ્ધુએ આ વીડિયો દ્વારા પોતાની સમગ્ર રાજકીય સફરને બલિદાન તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો છે. આટલું જ નહીં, તેણે આજે તેના ટીકાકારોને પણ જવાબ આપ્યો છે. વીડિયોમાં સિદ્ધુ પોતાની કડક સ્ટાઈલમાં બોલી રહ્યો છે કે ‘હું વેચાણ માટે નથી’. સિદ્ધુના આ વિડિયોમાં ગાયક બી પારકનું એક ગીત વાગી રહ્યું છે અને સિદ્ધુ દ્વારા વિવિધ ઈવેન્ટમાં લીધેલા ભાગોના વીડિયો કટ નાખવામાં આવ્યા.

વીડિયોમાં મોટાભાગના શોટ્સ બતાવવામાં આવ્યા છે જેમાં સિદ્ધુ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેતા જોવા મળે છે. મોટાભાગના શોટ્સમાં સિદ્ધુ ભીડથી ઘેરાયેલા જોવા મળે છે.  વીડિયોમાં મોટા ભાગે સિદ્ધુના ગુણગાન ગાવામાં આવ્યા છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે 2014માં અરુણ જેટલીએ સિદ્ધુને ગાઝિયાબાદ, પશ્ચિમ દિલ્હી, કુરુક્ષેત્ર અથવા ચંદીગઢથી સાંસદની સીટ અને સૂચના અને પ્રસારણ મંત્રાલયની ઓફર કરી હતી. સિદ્ધુએ પોતાની છ વર્ષની રાજ્યસભાની સદસ્યતા પણ છોડી દીધી, પંજાબ માટે તેમની જવાબદારી સમજીને કોઈ ચૂંટણી ન લડી. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે સિદ્ધુએ તમામ પદોને નકારી કાઢ્યા. તેમણે પંજાબમાં અનેક લોકોને તેમની અંગત કમાણીમાંથી મદદ કરી છે. તેમના દિલમાં પંજાબના લોકો માટે પ્રેમ છે અને તેઓ પંજાબનું ભલું જ ઇચ્છે છે.

પંજાબમાં સિદ્ધુને કોંગ્રેસ તરફથી સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરાતા તેમણે વીડિયો મારફતે પોતાના ગુણગાન ગાઇને લોકોને તથા હાઇ કમાન્ડને જાણ કરવાનો રસ્તો અપનાવ્યો હોવાની છાપ આ વીડિયો પરથી ઊભી થાય છે.