ઉત્તરપ્રદેશ ચૂંટણી પહેલાં વચનોની લ્હાણી…!!! ભાજપ, સમાજવાદી પાર્ટી બાદ હવે આવ્યો, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો…

ઉત્તરપ્રદેશમાં હવે આવતીકાલે પ્રથમ તબકકાનું મતદાન યોજાઈ રહ્યું છે તે પૂર્વે જ કોંગ્રેસ પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં પક્ષના મહામંત્રી અને યુપીના ઈન્ચાર્જ પ્રિયંકા ગાંધીએ જો તેમનો પક્ષ સત્તા ઉપર આવે તો 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી છે.

પ્રિયંકા ગાંધીએ આજે એક પત્રકાર પરિષદમાં ઉન્નતિ વિધાન નામનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો અને તેમાં ભાજપ અને સપાની જેમ જ અનેક વચનો આપવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, રૂ.2500 કવીન્ટલના ભાવે ઘઉંની ખરીદી થશે અને શેરડીનું મૂલ્ય 400 રૂપિયા પ્રતિ કવીન્ટલ હશે.

વીજળીનું અડધું બીલ માફ કરાશે અને 20 લાખ સરકારી નોકરી અપાશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો જે પરિવારો ઉપર કોરોનાનો આર્થિક માર પડયો છે તેને દરેક પરિવારમાં રૂ.25 હજાર અપાશે. રાજ્યમાં 12 લાખ ખાલી પદો ઉપર ભરતી કરાશે અને 10 લાખ રૂપિયા સુધીનો ઈલાજ મફત કરાશે.

40 ટકા સરકારી જગ્યાઓમાં મહિલાઓને ભરતી કરાશે અને ખેડૂતો પાસેથી ગૌધન ન્યાય યોજના હેઠળ પ્રતિ 2 રૂપિયે કિલો ગાયનું ગોબર ખરીદી લેવાશે. તેમણે નાના વેપારીઓને એક ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને માલિકી અધિકાર અપાશે. ચોકીદારોનું વેતન પ્રતિમાસ રૂ.5 હજાર કરવામાં આવશે.