ભાજપનો ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ઢંઢેરો જાહેર : ઉજ્જવલા યોજના હેઠળ તમામ લાભાર્થીઓને હોળી અને દીપાવલીમાં મફત એલપીજી સિલીન્ડર, કોલેજ જતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ મફત સ્કૂટી…!!!

ઉત્તરપ્રદેશમાં આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા ભારતીય જનતા પક્ષે પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બન્નેના ચૂંટણી ઢંઢેરાના મુદ્દા ઉછાળ્યા હતા અને ખેડૂતોને મફત વીજળી, હોળી અને દિવાળી પર ગૃહિણીઓને મફત ગેસ સિલીન્ડર તથા છાત્રાઓને સ્કૂટી આપવાની જાહેરાત કરી હતી.

આજે ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિતના ભાજપના ટોચના નેતાઓની હાજરીમાં શાહે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપવામાં આવશે અને રૂા.5 હજાર કરોડની મુખ્યમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરાશે જેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને બોરવેલ, ટયુબવેલ, તળાવ અને ટેન્ક નિર્માણ માટે સબસિડી આપશે.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મુખ્યમંત્રી સુમંગલા યોજના યોજના હેઠળ રૂા.15 હજારની સહાયતા મળતી હતી તે વધારીને રૂા.25 હજાર કરવા વચન આપ્યું છે. ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ તમામ લાભાર્થીઓને હોળી અને દીપાવલીમાં મફત એલપીજી સિલીન્ડર આપવામાં આવશે. 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને જાહેર બસ સેવામાં મફત પ્રવાસ, વિધવા અને નિરાશ્રિત બહેનો માટેનું પેન્શન રૂા.1500 કરવામાં આવશે અને કોલેજ જતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ મફત સ્કૂટી આપવામાં આવશે. આ ઉપરાંત દરેક પરિવારમાં કમસેકમ એક રોજગાર અને રાજ્યમાં 2 કરોડ ટેબલેટ તથા સ્માર્ટ ફોનનું વિતરણ કરાશે.