અભિનેતા પ્રવીણ કુમાર બીઆર ચોપરાના પૌરાણિક શો ‘મહાભારત’ના ‘ભીમ’નું હાર્ટ એટેકથી નિધન….
બીઆર ચોપરાના પૌરાણિક શો ‘મહાભારત’માં ‘ભીમ’નું પાત્ર ભજવીને ઘરે-ઘરે પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રવીણ કુમારનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રવીણ તેના વિશાળ કદ માટે જાણીતા હતા. તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. સાડા 6 ફૂટ ઊંચા પ્રવીણ કુમાર સોબતી પંજાબના હતા.
અભિનયની સાથે પ્રવીણ કુમાર રમતગમતમાં પણ ખૂબ સક્રિય હતા. યા વર્ષે ડિસેમ્બરમાં તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી ઘરે છે. તબિયત સારી નથી રહેતી તેમને કરોડરજ્જુની સમસ્યા છે. ઘરમાં પત્ની વીણા પ્રવીણ કુમારની દેખરેખ રાખતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રવીણ કુમાર સોબતી તેમના મૃત્યુ પહેલા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ તેણે સરકારને મદદની અપીલ પણ કરી હતી.
મળતી માહિતી મુજબ 20 વર્ષની ઉંમરે તેઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)માં જોડાયા હતા. જ્યાં તેમણે તેમના સારા એથ્લેટિક પરાક્રમ દ્વારા તેમના અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કર્યું અને વિવિધ એથ્લેટિક ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રોનો એથલીટ હતા. તેમણે એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો હતો. તેમણે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું . પ્રવીણ કુમારને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
2013માં તેઓ આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયા હતા. તેમણે આપની ટિકિટ પર વઝીરપુર મતવિસ્તારમાંથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. બીજા વર્ષે, તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા.
તેઓ પંજાબ સરકારથી નારાજ હતા. પંજાબ સરકાર રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કંઈ કરી રહી નથી, એમ તેમણે અનેક વાર કહ્યું હતું. તેમની ફરિયાદ હતી કે એશિયન ગેમ્સ કે મેડલ જીતનારા તમામ ખેલાડીઓને પેન્શન આપવામાં આવતું હતું, પરંતુ તેમને ના પાડવામાં આવી હતી, જ્યારે સૌથી વધુ ગોલ્ડ મેડલ તેમણે જીત્યા હતા. કોમનવેલ્થનું પ્રતિનિધિત્વ કરનાર તેઓ એકમાત્ર એથલીટ હતા, તેમ છતાં પેન્શનના મામલે તેમની સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું હતું. જોકે, હાલમાં તેમને બીએસએફ તરફથી પેન્શન મળતું હતું.
‘મહાભારત’માં તેમના કો-સ્ટાર ગજેન્દ્ર ચૌહાણે પ્રવીણ કુમારના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું, ‘આજે સવારે જ વધુ એક દુઃખદ સમાચાર મળ્યા. મારા મહાભારતના ભાઈ પ્રવીણ કુમાર જી અમને બધાને છોડીને અનંતની યાત્રાએ નીકળ્યા. તે માની શકતા નથી પાજી, તમે હંમેશા અમારી યાદોમાં રહેશો. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ.