પૂર્વ મુખ્યમત્રી વિજય રૂપાણી સામે ગંભીર આરોપ….

રાજકોટના ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રીને લખેલા પત્રમાં રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ પોલીસના અન્ય આધિકારીઓ વિરુદ્ધ ઉઘરાણી કરવાના અને લાંચ લેવાના ગંભીર આરોપો લગાવ્યા હતા, જેને લઈને ગુજરાત પોલીસ તંત્ર અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એવામાં રાજકોટ પોલીસ ઉપરાંત પૂર્વ મુખ્યમત્રી વિજય રૂપાણી સામે ગંભીર આરોપ લગાવતા વધુ ત્રણ વેપારીઓ મીડિયા સમક્ષ આવ્યા હતા.

પ્રથમ કિસ્સામાં ભોગ બનનાર દિપક ભરવાડના જણાવ્યા પ્રમાણે કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળની ૧૨ કરોડની એમની જમીન ખાલી કરવા પોલીસ દ્વારા દબાણ કરાતુ હતું. તેમણે પીએસઆઇ ઉપેન્દ્ર જોગરાણાને 35 લાખ આપી મામલો પતાવ્યો હતો. તેમના કહ્યા પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જગ્યા પર જૈન દેરાસર બનાવવા માટે જગ્યા ખાલી કરવા દબાણ કર્યું હતું.

બીજા કિસ્સામાં રાજકોટના લાતી બજારમાં વેપાર ધરાવતા રાજેન્દ્ર અમૃતલાલ જોગી અને નિકુંજ અમૃતલાલ જોગીએ પણ પોલીસ પર આરોપો લાગાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગાંધીધામના રવિ શર્મા નામના વેપારી પાસેથી માલ મંગાવ્યો હતો પરંતુ, બન્ને વેપારીઓ વચ્ચે કોઇ ખટરાગ થતાં તેમણે મંગાવેલો માલ પરત મોકલી દીધો હતો. ત્યારબાદ થોડા સમય પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવિ શર્માની સાથે તેમના ઘરે આવી બન્ને ભાઇઓને ધમકાવી બળજબરીથી ક્રાઇમ બ્રાંચ ઉપાડી ગયા હતા. જ્યાં બન્નેને ડરાવી ધમકાવી, વેપાર ધંધા બંધ કરાવી દેવાની અને છ મહિના સુધી જેલમાંથી પૂરી દેવાની બીક બતાવી તેમનો પાસેથી ૩.૮ લાખની રકમ લખેલા સહી કરેલા ચેક બળજબરીપૂર્વક લઇ ગયા હતા.

ત્રીજા કિસ્સામાં મવડી વિસ્તારમાં આવેલી મંડળીમાંથી યુવકે પાંચ લાખની લોન લીધી હતી જે પેટે ૨.૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં ભરવાડ શખ્સ હવાલો લઇ તેનું અપહરણ કરી માર મારી કરી રૂ. ૧૧ લાખની માંગણી કરી ધમકાવતો હતો. આ બનાવ અંગે યુવકે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહી કરી હોવાનું જણાવ્યું હતું છે.

આ સમગ્ર મામલે વિજય રુપાણીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. પોલીસની ભ્રષ્ટનીતિને લઈને રાજકોટ ભાજપના જ બીજા બે ધારાસભ્યો ગોવિંદ પટેલના સમર્થનમાં આવ્યા હતા. રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને લાખા સાગઠિયાએ પણ ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર વિરુદ્ધ કરેલા આક્ષેપોને સમર્થન આપી તટસ્થ તપાસની માંગ કરી હતી. રાજકોટના ચાર ધારાસભ્યમાંથી ત્રણ ધારાસભ્યે પોલીસની ભ્રષ્ટનીતિથી લોકોને મુક્ત કરાવવા અને ન્યાય અપાવવા મોરચો ખોલ્યો છે ત્યારે એકમાત્ર ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે હજુ સુધી ચુપ્પી ધારણ કરીને બેઠા છે.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ બાબતે આકરા પગલા લેવાનું નિવેદન કરશે. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સહિતના કોંગેસ નેતાઓએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

થોડા સમયમાં જ રાજકોટ પોલીસ કમિશનર સહીત અન્ય અધિકારીઓની બદલીના આદેશ આવી શકે છે.