કચ્છના સરહદી વિસ્તાર નજીક પાકિસ્તાનમાં અંદાજીત 3 અબજ ટનનો કોલસાનો વિશાળ ભંડાર મળી આવ્યો… :

કચ્છના સરહદી વિસ્તાર લખપતમાં કોલસાની ખાણો આવેલી છે તેમ જ સરહદની પેલી પાર પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકરમાં પણ કોલસાની ખાણો આવેલી છે. ભારત માટે ચિંતા જનક બાબત એ છે કે આ ખાણો પાકિસ્તાને એક ચીની કંપનીને સોંપી દીધી છે. આ વિસ્તારમાં તપાસ કરતા કંપનીને અંદાજીત 3 અબજ ટનનો કોલસાનો વિશાળ ભંડાર મળી આવ્યો હતો. ચાઇનીઝ કંપની શાંઘાઈ ઇલેક્ટ્રિક પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં તેના ૭.૮ મિલિયન ટન વાર્ષિક ઓપનપીટ કોલ માઇનિંગ પ્રોજેક્ટમાં કોલસાના આ ભંડારની શોધની જાણકારી આપી હતી.

પાકિસ્તાનના સમાચાર માધ્યમોના અહેવાલો પ્રમાણે ૧૪૫ મીટર ઊંડાઇએ અંદાજિત 3 અબજ ટન જેટલો કોલસાનો ભંડાર છે. સિનો-સિંધ રિસોર્સિસ લિ. કોલ માઈન પ્રોજેક્ટ થાર કોલ બ્લોક-1 ઈન્ટીગ્રેટેડ કોલ માઈનિંગ એન્ડ પાવર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે કચ્છની ઉત્તર દિશામાં ખડીરની સામે સરહદથી અંદાજે માત્ર ૪૦ કિમીના દૂર છે. આ ખાણ શાંઘાઈ ઈલેક્ટ્રીક દ્વારા ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર યોજનાનો જ એક ભાગ છે. જેમાં 3 બિલિયન ડોલરથી વધુના પ્રોજેક્ટમાં 1,320 મેગાવોટનો કોલસા આધારિત પાવર સ્ટેશન બનવવામાં આવશે. ચીન ભારતીય સરહદો પાસે પોતાની ગતિવિધિઓ વાધરી રહ્યું છે. શ્રીલંકા, માલદીવ્સ, મ્યાનમાર અને પાકિસ્તાનના બંદરો પર રોકાણ કર્યા બાદ ચીન કચ્છની સરહદ નજીક પહોંચી ગયું છે. આ બાબત ભારતની સુરક્ષા માટે ચિંતાજનક બાબત છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે.