વિશ્વ બજારોના નબળા ટોન તેમજ ઘર આંગણે પણ વ્યાજદર વધારવાની આશંકાથી શેર બજારમાં મોટો કડાકો….

મુંબઇ શેરબજારે આજે વધુ એક વખત મંદીમાં ગોથુ ખાધુ હતું. હેવીવેઇટથી માંડીને તમામે તમામ ક્ષેત્રોના શેરોમાં આક્રમણકારી વેચવાલી નીકળતા ગાબડા પડયા હતા. સેન્સેકસ પ8 હજારની નીચે સરકી ગયો હતો અને ઇન્ટ્રા ડે 1345 પોઇન્ટનો કડાકો સૂચવતો હતો.

શેરબજારમાં આજે શરૂઆત જ સાવચેતી ભરી હતી. વિશ્વ બજારોના નબળા ટોન તથા ઘર આંગણે પણ વ્યાજદર વધારવાની આશંકાથી થોડો ગભરાટ પ્રવર્તતો હતો. વિદેશી નાણા સંસ્થાઓની એકધારી ભારે વેચવાલીથી માનસ નબળુ પડેલું જ હતું. આજે વેચવાલીનો મારો વધુ આક્રમક થતા માર્કેટ સતત નીચે ને નીચે સરકવા લાગ્યું હતું.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અમેરિકાના ધારણા કરતા વધુ ઝડપે વ્યાજદર વધારાની અટકળો જોર પકડવા લાગી છે. સાથોસાથ ભારતમાં પણ વ્યાજદર વધારવાનો નિર્ણય રીઝર્વ બેંક લે તેવી આશંકા વ્યકત થવા લાગી છે. આવતીકાલથી રીઝર્વ બેંક ધિરાણ નીતિ નકકી કરવા મીટીંગ શરૂ કરવાની છે. બેઠક એક દિવસ પાછી ઠેલવામાં આવતા તે વિશે પણ અનેક તર્ક વિતર્ક વ્યકત થવા લાગ્યા છે. ટુંકાગાળા માટે હવે રીઝર્વ બેંકની ધિરાણ નીતિ નિર્ણાયક ભાગ ભજવે તેમ છે બાકી વિદેશી સંસ્થાઓની બેફામ વેચવાલી સહિતના કારણો બજારને મંદીમાં ધકેલે તે સ્પષ્ટ છે.

શેરબજારમાં આજે બેંક, મેટલ, આઇટી, ઓટો મોબાઇલ, ફાયનાન્સ સહિતના ક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. એશીયન પેઇન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાયનાન્સ, બજાજ ફિન્સ સર્વિસ, ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, હિંદ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, આઇટીસી, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસ્લે, રિલાયન્સ, ટીસીએસ, ટાઇટન સહિતના શેરો તૂટયા હતા. મંદી બજારે પણ પાવર ગ્રીડ, સ્ટેટ બેંક, ટીસ્કો, ઓએનજીસી, એનટીપીસી, ઓલ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા મજબુત હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 1140 પોઇન્ટના કડાકાથી 57504 હતો જે ઉંચામાં 58707 તથા નીચામાં 57299 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 336 પોઇન્ટ ગગડીને 17180 હતો. જે ઉંચામાં 17536 તથા નીચામાં 17119 હતો.