આઇપીએલની અમદાવાદની ટીમનું નામકરણ : અમદાવાદની ટીમનું નામ ‘અમદાવાદ ટાઇટન્સ’

આઇપીએલ 2022ની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઈ રહી છે. આ વખતે આઇપીએલમાં બે નવી ટીમો રમતા જોવા મળશે. આમાંથી એક ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ છે જ્યારે બીજી ટીમ અમદાવાદની છે. અહેવાલ અનુસાર અમદાવાદે સોમવારે પોતાની ટીમના નામની જાહેરાત કરી છે અને તેનું નામ ‘અમદાવાદ ટાઇટન્સ’ રાખ્યું છે. અમદાવાદે હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે આ ટીમમાં શુભમન ગિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.કોચિંગ સ્ટાફમાં આશિષ નેહરા અને ગેરી કર્સ્ટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.  હાર્દિક અને ગિલ સિવાય અફઘાનિસ્તાનના લેગ સ્પિનર ​​રાશિદ ખાનને પણ અમદાવાદે લીધો છે. રાશિદ હજુ પણ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો હતો અને તેણે 2016માં આ ટીમ સાથે ટાઈટલ પણ જીત્યું હતું. આ નવી ટીમે રાશિદ માટે 15 કરોડ રૂપિયા આપ્યા છે. ટીમે હાર્દિક માટે 15 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે. ગિલને આઠ કરોડ રૂપિયા મળ્યા છે. અગાઉ પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ અને ગિલ કોલકાતા ક્નાઇટ રાઇડર્સ (કેકેઆર) તરફથી રમતા હતા.

અમદાવાદની ટીમના નામકરણ બાદ હાર્દિક પંડ્યા ઘણો ઉત્સાહમાં જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે આઇપીએલની નવી ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. મળીએ જલદી….

આઇપીએલમાં અમદાવાદની ટીમને સીવીસી ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. તાજેતરમાં આ ટીમ સામે વિવાદ સર્જાયો હતો, કારણ કે સીવીસી ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આને કારણે  ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. આ અંગે બીસીસીઆઇએ કમિટી બનાવી હતી. જોકે, હવે બીસીસીઆઇએ અમદાવાદની ટીમને ગ્રીન સિગ્નલ આપી દીધું છે.