2016માં બંધ થયેલી જૂની રૂ. 500 અને 1000ની નોટો લોકો શિરડી સાઈબાબાને દાનમાં આપી પુણ્ય કમાઈ રહ્યા છે….!!!

શિરડી સાઇ સંસ્થાનને ભરી ભરીને દાન તો મળી રહ્યું છે પણ તેમાં મોટાપ્રમાણમાં 500-1000ની જૂની નોટો મળી રહી છે જે તેમનો માથાનો દુખાવો બની ગઇ છે. નોટબંધી પછી પણ દાન પેટીમાંથી જૂની નોટો મળવાનું ચાલુ જ છે, જે સાઇ બાબાના દર્શને આવતા ભક્તો દાનપેટીમાં નાખી જાય છે. આમ પણ સાઈ ભક્તો રૂ. 500 અને 1000ની નોટો પાસે રાખવાથી ગુનેગાર બનવા કરતાં સાઈબાબાને ચરણે ધરી પુણ્ય કમાઈ રહ્યા રહ્યા છે…!!!

જૂની નોટો પાસે રાખવી અને તેનો ઉપયોગ કરવો એ કાયદાકીય ગુનો છે. એવામાં સાઇ સંસ્થાને જૂની નોટોની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રીય સ્તરે ઘણા પ્રયાર કર્યા, પણ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી.

નોંધનીય છે કે દેશમાં આઠમી નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી 31મી ડિસેમ્બર સુધી લોકોને 500-1000ની જૂની નોટો બેંકોમાં જઇને બદલવાની તક આપવામાં આવી હતી.

સાઇ સંસ્થાનના જણાવ્યા અનુસાર તેમની પાસે જૂની 500-1000ની લગભગ ત્રણ કરોડની કિંમતની નોટો જમા છે. નોટબંધીને પાંચ વર્ષ થવા આવ્યા હોવા છતા દાનપેટીમાં જૂની નોટો આવવાનું ચાલુ જ છે.

ઉલ્લેખનીય છે કે શિરડી સાઇબાબાના દર્શન માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવે છે. ભક્તો દ્વારા દાન કરવામાં આવતી રકમનો ઉપયોગ ભક્તો માટે શિરડીમાં સુવિધા ઊભી કરવા અને ટ્રસ્ટના કામકાજ માટે થાય છે.