દરેક ચૂંટણીમાં અનામત સહિતના મુદે બોલતા ભાગવત હવે યુપી ચૂંટણી અંગે ક્યાંય ચિત્રમાં કેમ નથી આવતા…?!?
ઉતરપ્રદેશની ચૂંટણીઓનો રંગ જામ્યો છે તેમ છતાં હજુ આ ચૂંટણીમાં આરએસએસ કે તેના સરસંઘચાલક મોહન ભાગવત ક્યાંય ચિત્રમાં ન આવતા પ્રશ્નો પૂછાવા લાગ્યા છે. ભાજપે રાજ્યમાં એકતરફ ધ્રુવીકરણના આધારે ચૂંટણી લડવા માટેના અનેક મુદાઓ શોધી કાઢયા છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી કેરાના ગયા હતા અને તેઓએ અહીંથી અખિલેશ શાસનમાં જે હીજરત થઇ હતી તેનો ઉલ્લેખ કરીને હવે કાયદાનું શાસન છે અને કોઇને હીજરત નહીં કરવી પડે તેવું વિધાન કરીને હિંદુઓના મતો મેળવવા પ્રયત્ન કર્યા હતા પણ દરેક ધારાસભા ચૂંટણીમાં કોઇને કોઇ મુદે વિવાદ છેડતા આરએસએસના વડા મોહન ભાગવત ઉતરપ્રદેશથી દૂર છે અને તેઓ હાલ આસામના ચૂંટણી પ્રવાસે છે.
અગાઉ ભાગવતે ચૂંટણીની જાહેરાત પૂર્વે જ મુસ્લિમોને ભાજપ ભણી ખેંચવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને તેમાં હિંદુ અને મુસ્લિમોનું ડીએનએ એક જ છે તેવા વિધાન કર્યા હતા. મુંબઈમાં મુસ્લિમ બૌધ્ધિકો સાથે બેઠકો પણ યોજી હતી પણ માનવામાં આવે છે કે ડીએનએ ભાગવતના વિધાનોથી ભાજપના જ અનેક નેતાઓ નારાજ છે અને મતદારો પણ આ પ્રકારે મુસ્લિમો સાથે તેના ડીએનએને સરખાવવાના મુદે નારાજ છે અને તેથી જ ભાજપે ભાગવતને હાલ ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હોય તેવું માનવામાં આવે છે.
અગાઉ બિહારની ચૂંટણી સમયે તેઓએ અનામતનો વિવાદ છેડયો હતો અને ભાજપે સ્પષ્ટતા કરવી પડી હતી કે તે કોઇની અનામત છીનવશે નહીં હવે ડીએનએ અંગેના વિધાનોથી હિંદુ મતદારો છેડાઈ તેવી ધારણા હોવાથી ભાગવતને દૂર રખાયા હોવાનું મનાય છે.