ભારત-પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ ‘ગુપ્ત’ મંત્રણા…?!? : પાકિસ્તાની અબજોપતિ અને ટોચના નિશાતના માલિક મિયાં માંશાનો દાવો…
પાકિસ્તાની અબજોપતિ અને ટોચના નિશાતના માલિક મિયાં માંશાએ ભારત પાકિસ્તાનના સંબંધો વિશે સનસનીખેજ ખુલાસો કરતાં એવો દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે ગુપ્ત વાતચીતનો દોર ચાલી રહ્યો છે અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૂર્તમાં ઇસ્લામાબાદનો પ્રવાસ કરશે. પાકિસ્તાની ઉદ્યોગપતિએ જણાવ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ મંત્રણાનો દોર જારી છે. બંને દેશો સાથે મળીને કામ કરે તો આવતા એક મહિનામાં જ ભારતીય વડાપ્રધાન મોદી પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. દુનિયામાં કોઇપણ કાયમી શત્રુ હોતા નથી. ભારત સાથે મંત્રણાના આધારે દુશ્મનાવટ અને વિવાદ ખત્મ કરવાની જરુર છે. પાકિસ્તાનની બહુરાષ્ટ્રીય કંપની નિશાત ગ્રુપના વડા મિયાં માંશાએ કહ્યું કે 1965ના યુધ્ધ સુધી ભારત સાથે પાકિસ્તાનનો 50 ટકા વેપાર થતો હતો. પાકિસ્તાનને શાંતિની જરુર છે.
ભારત પાસે આધુનિક ટેકનોલોજી છે. પાકિસ્તાન પાસે પણ ઘણી ચીજો એવી છે જે ભારતને આપી શકાય તેમ છે એટલે કોઇ કાયમી દુશ્મન નથી. ગરીબીની સ્થિતિમાં ભારત સાથે સંબંધો સુધારવા પડશે. પાકિસ્તાની અબજોપતિનો દાવો એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે તાજેતરમાં જ પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં પાકિસ્તાને ભારત સાથે શાંતિ પર ભાર મુકયો હતો. ભારતીય સુરક્ષા નીતિ સાથે જોડાયેલા એક અધિકારીએ પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રીબ્યુનને એમ કહ્યું હતું કે આવતા 100 વર્ષ સુધી ભારત સાથે દુશ્મનાવટ નહીં રાખે. આ નવી નીતિમાં પાડોશી રાષ્ટ્ર સાથે શાંતિ પર ભાર મુકવામાં આવ્યો છે. આ દિશામાં વાતચીત અને પ્રગતિ થાય તો ભારત સાથે અગાઉ જેવા વ્યાપારીક અને વ્યવસાયીક સંબંધો ઉભા થઇ શકે છે.
તેઓએ જો કે એમ પણ જણાવ્યું હતું કે મોદી સરકારના કાર્યકાળમાં ભારત સાથે આવા મેળ-મેળાપની સંભાવના નથી. પાકિસ્તાન દ્વારા શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ લોન્ચ થવાની છે આ નીતિનો એક ભાગ જાહેર કરવામાં આવનાર છે જ્યારે બીજો ભાગ ગુપ્ત રખાશે. આ નીતિ ઘડવામાં પાકિસ્તાની સૈન્યએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ પૂર્વે એવા પણ સમાચારો આવ્યા હતા કે અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસન પૂર્વે ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ મંત્રણા શરુ થઇ હતી. બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બે ટોચના અધિકારી ત્રીજા જ દેશમાં મળ્યા હતા. યુએઇ દ્વારા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.