ભવિષ્યમાં આપણે એક મોટી મહિલા આઈપીએલની મેજબાની કરવામાં સક્ષમ થઈશું : BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી

IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)  2022ને લઈને મોટા સમાચાર આવ્યાં છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વૂમન આઈપીએલ અંગે મોટું નિવેદન આપ્યું છે.

આ મામલે તેમણે જણાવ્યું હતું કે, અમને આશા છે કે ભવિષ્યમાં આપણે એક મોટી મહિલા આઈપીએલની મેજબાની કરવામાં સક્ષમ થઈશું, પરંતુ ચાલુ વર્ષે આઈપીએલ પ્લેઓફ દરમિયાન વુમન ટી20 ચેલન્જનું આયોજન થશે. મહિલા આઈપીએલમાં 3 ટીમો ભાગ લે છે. સુપરનોવા, વેલોસિટી અને ટ્રેઇલ બ્લેઝર્સ. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ માત્ર ત્રણ જ વખત રમાઈ છે. 2018 અને 19માં સુપરનોવાએ આ ખિતાબ જીત્યો હતો જ્યારે 2020માં ટ્રેઇલ બ્લેઝર્સે ટાઇટલ જીત્યું હતું. ગયા વર્ષે કોરોનાના કારણે આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડે આ મેચ ભારતમાં જ યોજવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોના બેકાબૂ બને ત્યારે જ બહાર કાર્યક્રમ યોજવાનો વિકલ્પ અજમાવી શકાય છે.

સૌરવ ગાંગુલીએ મેન્સ IPLની 15મી સિઝન માટે યજમાન શહેરોના નામનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે બોર્ડ આ વર્ષે IPLનું આયોજન ભારતમાં જ કરવા માગે છે. IPLની મેચ મુંબઈ અને પૂણેમાં રમાઈ શકે છે, હજુ આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.