વિજ ફયુઅલ કોસ્ટમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો : રહેણાંક, ખેતી વિજજોડાણો તથા 40 કિલોવોટથી ઓછો વિજવપરાશ ધરાવતા કોમર્સીયલ વિજગ્રાહકોને લાગુ નહીં…

બજેટમાં ટેકસલાભ કે અન્ય કોઈ રાહતની પ્રતિક્ષામાં રહેલા ઉદ્યોગજગતને કોઈ રાહત આપવામાં આવી નથી. તેનાથી વિપરીત ગુજરાતના ઉદ્યોગોને ડામ મળ્યો હોય તેમ વિજ ફયુઅલ કોસ્ટમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જો કે, રહેણાંક, ખેતીવાડી તથા નાના કોમર્સીયલ વિજગ્રાહકોને આ વધારામાંથી મુક્ત રાખવામાં આવ્યા છે.

વિજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓકટોબરથી ડીસેમ્બરના ત્રિમાસિક ફયુઅલ પ્રાઈમ એન્ડ પાવર પરવેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા અંતર્ગત યુનિટદીઠ 58 પૈસાનો વધારો થાય છે. ફયુઅલ કોસ્ટ રૂ.2.40 થી વધીને 2.98 થાય છે. પરંતુ નિયમાનુસાર પૂર્વ મંજુરી વિના ફયુઅલ કોસ્ટમાં 10 પૈસાથી વધુ વધારી શકાતા નથી. આ સંજોગોમાં જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે ફયુઅલ કોસ્ટમાં દસ પૈસાનો વધારો ઝીંકાયો છે.

સૂત્રોએ એમ કહ્યું કે, રહેણાંક ખેતી તથા નાના વિજગ્રાહકોને આ નવા બોજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને મોટાભાગે ઉદ્યોગો તથા મોટા વિજગ્રાહકો માથે જ આ ભારણ વધશે. રહેણાંક, ખેતી વિજજોડાણો તથા 40 કિલોવોટથી ઓછો વિજવપરાશ ધરાવતા કોમર્સીયલ વિજગ્રાહકોને તે લાગુ નહીં પડવાની ચોખવટ કરતા પશ્ચિમ ગુજરાત વિજ કંપનીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે મુખ્યત્વે ઔદ્યોગીક વિજગ્રાહકો પર જ આ બોજ આવશે. પીજીવીસીએલના વિજગ્રાહકો પૈકી અઢી લાખ જોડાણોને 10 પૈસાનો વધારો ચુકવવો પડી શકે છે.

દેશમાં તાજેતરમાં કોલસાની કટોકટી વચ્ચે વિજ ઉત્પાદનને અસર થઈ હતી. ગુજરાતની વિજ કંપનીઓએ યુનિટદીઠ 16 રૂપિયા જેવા ઉંચા ભાવે વિજળી ખરીદવાની નોબત આવી હતી એટલે ગત ત્રિમાસિક ગાળામાં ફયુઅલ કોસ્ટ વધી ગઈ હતી. સરકારી વિજમથકોમાંથી સરેરાશ અઢી રૂપિયામાં જ વિજળીની પડતર થતી હોય છે પરંતુ વિજ ડીમાંડને પહોંચી વળવા ખાનગી કંપનીઓ પાસેથી પણ તે ખરીદવામાં આવતી હોય છે.