અંદર ખાને ગઠબંધન…?!? કોંગ્રેસે અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વિરૂદ્ધ ઉમેદવાર ન ઉતાર્યા…!!!
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારી રહી નથી. પાર્ટીએ સમર્થન બતાવવા માટે અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વિરૂદ્ધ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો હોવાની ખબર સામે આવી રહી છે.
નોંધનીય છે કે કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીના ઉતાર-ચઢાવ ભરેલા સંબંધો છતાં અખિલેશની પાર્ટી કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીની સામે રાયબરેલી અને રાહુલ ગાંધી વિરૂદ્ધ અમેઠીથી પોતાના ઉમેદવાર ઉતારતી નથી. આ વખતે બંને પાર્ટીઓએ સાથે આવવાનો નિર્ણય કર્યો નથી.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવ મૈનપુરી જિલ્લાની કરહલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર છે જ્યારે શિવપાલ યાદવ ઈટાવા જિલ્લાની જસવંતનગર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કરહલ અને જસવંતનગર વિધાનસભા ક્ષેત્રમાં ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે. બંને ક્ષેત્રમાં 1 ફેબ્રુઆરીએ નામાંકન પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ હતી.
મંગળવારે નામાંકન પત્ર દાખલ કરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એવામાં નામાંકનના દિવસે પણ કોંગ્રેસે અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ સિંહ યાદવ સામે ઉમેદવાર ઉતાર્યા નથી.