ઠંડી હજુ ગઈ નથી, એટ્લે સ્વેટર ઘડી કરી મૂકી ના દેતા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી….
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસિયુ વાતાવરણ રહે છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. આવા વિચિત્ર વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધશે એવી આગાહી કરી છે.
મહત્વનુ છે કે ગુજરાતમાં ઠંડીએ આ વર્ષે પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પાંચ વર્ષ પહેલા આવી કાતિલ ઠંડી જાન્યુઆરીમાં અનુભવી હતી. સામાન્ય રીતે ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં ઠંડીનુ પ્રમાણ ઘટતુ હોય છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે.
આ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતના દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.