આ બજેટમાં ચર્ચા કરવા જેવું કશુંક શોધી કાઢે તેનું સન્માન કરવું પડે એવી હાલત છે…!!!
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું બજેટ અંતે રજૂ થઈ ગયું અને નિર્મલા સીતારામનના બજેટે લોકોને પાછા નિરાશ કરી દીધા. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે, તેથી મોદી સરકાર રાજકીય સ્વાર્થને ખાતર પણ આ બજેટમાં સામાન્ય લોકોને કંઈક તો આપશે જ એવી સૌને આશા હતી પણ એ આશા બિલકુલ ફળી નથી. આપણે ત્યાં બજેટના કહેવાતા વિશ્લેષકો પાણી વલોવી વલોવીને માખણ કાઢવાની ક્વાયત કરી રહ્યા છે કેમ કે એ તેમનો ધંધો છે પણ આ બજેટમાં ખરેખર કશું જ નથી. ૬૦ લાખ નવી નોકરીઓ કે ખેડૂતોને એમએસપી સિસ્ટમથી ૨.૩૭ લાખ કરોડ રૂપિયાની રાહત જેવી જાહેરાતો વાતોનાં વડાં જેવી છે. માત્ર વાતો, નક્કર કશું જ નહીં.
આ બજેટમાં આવકવેરામાં કોઈ મોટી રાહત નહીં આપીને ભાજપે પોતાની સૌથી મોટી મતબેંક એવા મધ્યમ વર્ગીય અને શહેરી નોકરિયાતોને મૂર્ખ બનાવવાની પરંપરા આગળ ધપાવી છે. અરૂણ જેટલીએ એ પરંપરા શરૂ કરેલી અને વચ્ચે થોડો સમય માટે આવેલા પીયૂષ ગોયલે પણ એ ખેલ કરેલો. હવે પોતાની બુદ્ધિ ચલાવ્યા વિના મોદીનાં કહ્યાગરાં બનીને વર્તતાં નિર્મલા સીતારામન પણ એ જ ધંધો કરી રહ્યાં છે. ન્યાય ખાતર કહેવું જોઈએ કે જેટલીએ નાની નાની રાહતો આપેલી પણ ગોયલ ને નિર્મલા તો સાવ નકામાં જ સાબિત થયાં છે.
ભાજપ જે કંઈ કરી રહ્યો છે એ રીતસરની છેતરપિંડી ને વચનદ્રોહ છે. ભાજપ સત્તામાં નહોતો આવ્યો ત્યારે નોકરિયાતો અને મધ્યમ વર્ગને રીઝવવા માટે કરવેરામાં રાહતો આપવાની બહુ વાતો કરતો હતો. ભાજપ આવકવેરા મર્યાદા વધારીને પાંચ લાખ કરવાની વાતો કરતો હતો અને સત્તાવાર રીતે પોતાના ચૂંટણીઢંઢેરામાં લખતો પણ હતો. નોકરિયાતો ને મધ્યમ વર્ગને લાગતું કે, ભાજપ આવશે તો બીજું બધું જાય તેલ લેવા પણ કરવેરામાં રાહત તો મળશે જ તેથી એ બધા ભાજપના પડખે થઈ ગયા. તેમના જોરે ભાજપ કેન્દ્રમાં સત્તા લગી પહોંચ્યો પણ સત્તામાં આવ્યા પછી ભાજપે તેમની જ મેથી સૌથી વધારે મારી છે, તેમને જ સૌથી વધારે ચૂસ્યા છે અને રાહતના નામે તેમને લીબું પકડાવ્યું છે. જીએસટી હોય, સર્વિસ ટેક્સ હોય કે ઈન્કમ ટેક્સ હોય, ભાજપે સતત તેમની જ બજાવવાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે.
આપણે બીજી બધી વાતો નથી કરતા પણ ઈન્કમટેક્સની જ વાત કરીએ કેમ કે મધ્યમ વર્ગની સૌથી મોટી અપેક્ષા ઈન્કમટેક્સના દરોમાં રાહતની છે. ભાજપ તરફ મૂળ તો હિંદુત્વના મુદ્દે આ લોકો આકર્ષાયેલા અને બીજા જે નાના નાના મુદ્દા હતા તેમાં એક મુદ્દો ઈન્કમટેક્સમાં રાહતનો પણ છે, પણ આ મુદ્દે ભાજપ તેમને બેવકૂફ બનાવ્યા કરે છે. મોદી ૨૦૧૪માં પહેલી વાર વડા પ્રધાન બન્યા ત્યારે અરૂણ જેટલી નાણાં પ્રધાન હતા. જેટલીએ પહેલા બજેટમાં આવકવેરાની મર્યાદામાં સામાન્ય વધારો કર્યો હતો પણ એ પછી રાત ગઈ ઔર બાત ગઈ કરીને મધ્યમ વર્ગને ભુલાવી જ દીધો. જેટલીએ પછીનાં બે બજેટમાં મધ્યમ વર્ગ તથા નોકરિયાત વર્ગને નાની નાની છૂટક રાહતો સિવાય કશું નહોતું આપ્યું. જેટલીએ મેડિક્લેઈમ માટેની આવકવેરા મુક્તિ મર્યાદા ૧૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરેલી પણ તેનો બહુ અર્થ નહોતો. ત્રીજા બજેટમાં ટેક્સ રિબેટની મર્યાદા વધારવાનો ટુકડો ફેંકીને પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર મળતું ટેક્સ રિબેટ જેટલીએ બે હજાર રૂપિયાના બદલે પાંચ હજાર રૂપિયા કરી નાખ્યું હતું. સામે સર્વિસ ટેક્સના દરોમાં વધારો કરીને મધ્યમ વર્ગના ખિસ્સા પર મોટી કાતર ફેરવી દીધી હતી. જેટલીએ કૃષિ કલ્યાણ સેસના નામે અડધો ટકા સરચાર્જ ઝીંકીને સર્વિસ ટેક્સનો દર વધારીને ૧૫ ટકા કરી દીધો હતો.
જેટલીએ એ પછીના બજેટમાં ફરીથી સ્ટાન્ડર્ડ ડિડક્શન દાખલ કરીને મધ્યમ વર્ગને રાહત આપી હતી. જેટલીએ ૪૦ હજાર રૂપિયાની આવક સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે સીધી બાદ મળે એવી જાહેરાત કરીને મધ્યમ વર્ગને બારેક હજાર રૂપિયાનો ફાયદો કરાવેલો. જેટલીનું એ છેલ્લું બજેટ હતું અને છેલ્લે છેલ્લે તેમને લોકોનું ભલું કરવાનો વિચાર આવ્યો એ બદલ તેમને વખાણવા જ જોઈએ. જેટલી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા જ નાદુરસ્ત તબિયતના કારણે ખસી ગયેલા તેથી પીયૂષ ગોયલને નાણાં પ્રધાન બનાવાયેલા.
પીયૂષ ગોયલે લોકસભાની ચૂંટણી પહેલાંના છેલ્લા બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ વધારીને ૫૦ હજાર રૂપિયા કરી હતી. લોકસભાની ચૂંટણી હતી, તેથી લોકોને રાજી કરવા કંઈક તો કરવું પડે એમ હતું જ તેથી ગોયલનો છૂટકો નહોતો.
ગોયલે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને બેવકૂફ બનાવવાનો બીજો પણ ખેલ કરેલો. પીયૂષ ગોયલે ૫ લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આવકને સંપૂર્ણ કરમુક્ત કરી દીધી હોય એ પ્રકારનું એલાન કરેલું. વાસ્તવમાં એ ટેક્સ રિબેટને લગતી જાહેરાત કરી પણ ગોયલે આ જાહેરાત એ રીતે કરેલી કે જાણે કેન્દ્ર સરકારે આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરી દીધી છે. ગોયલે એવું કહેલું કે, હવે ૫ લાખ રૂપિયા સુધી કોઈ ઈન્કમટેક્સ નહીં લાગે. ગોયલે શબ્દોની માયાજાળ રચીને લોકોને ઉલ્લુ બનાવેલા. બજેટ પહેલાં મહત્તમ ટેક્સ રીબેટ સાડા બાર હજાર રૂપિયા હતો. ગોયલની જાહેરાતનો અર્થ એ હતો કે, પહેલાં અઢી લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ૫ ટકાના દરે કુલ સાડા બાર હજાર રૂપિયાનો જે ટેક્સ લાગતો હતો એ ટેક્સ નહીં ભરવો પડે. આ ટેક્સની રકમ ટેક્સ રિબેટની સામે સરભર થઈ જાય તેથી તેમણે ટેક્સ ના ભરવો પડે. એ રીતે પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ના લાગે એવું ચિત્ર ઊભું કરાયેલું. તેમાં એ ચાલાકી તો હતી જ કે, આ ફાયદો માત્ર ને માત્ર પાંચ લાખ રૂપિયા સુધીની આવક હોય તેમને જ મળે. પાંચ લાખ રૂપિયા કરતાં એક રૂપિયો પણ વધારે આવક થઈ તો તરત તમારે ટેક્સ ભરવો પડે. આ ચાલાકીની ખબર પડી પછી ગોયલને ભરપેટ ગાળો પડી હતી.
નરેન્દ્ર મોદી ૨૦૧૯ના મે મહિનામાં લોકસભાની ચૂંટણી જીતીને ફરી વડા પ્રધાન બન્યા પછી નિર્મલા સીતારામનને નાણાં મંત્રી બનાવેલાં. નિર્મલાએ ૨૦૧૯ના જુલાઈ મહિનામાં પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું. એ વખતે રાત થોડી અને વેશ ઝાઝા હતા, તેથી કોઈને બહુ અપેક્ષા નહોતી. પણ ૨૦૨૦માં ૧ ફેબ્રુઆરીએ નિર્મલાએ બીજું બજેટ રજૂ કર્યું ત્યારે આવકવેરાના બે સ્લેબ રજૂ કરીને કશુંક નવું કરવાનો પ્રયત્ન કરેલો પણ તેમાં પણ કેલ તો નોકરીયાતો અને મધ્યમ વર્ગને ઉલ્લુ બનાવવાનો જ હતો. નિર્મલાએ બીજો ટેક્સ સ્લેબ રજૂ કર્યો તેમાં ૫ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી જ્યારે ૫ લાખથી રૂપિયા ૭.૫ લાખ સુધીની આવક પર ૨૦ ટકાની જગ્યાએ ૧૦ ટકા, રૂપિયા ૭.૫ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની આવક પર ૨૦ ટકાની જગ્યાએ ૧૫ ટકા અને ૧૦ લાખ રૂપિયાથી ૧૨.૫ લાખ રૂપિયા સુધીની આવક પર ૩૦ ટકાની જગ્યાએ ૨૦ ટકા ટેક્સ કરી દીધો. ૧૨.૫૦ લાખ રૂપિયાથી ૧૫ લાખ સુધીની આવક પર ૨૫ ટકા અને ૧૫ લાખથી વધારેની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગશે.
આ જાહેરાતના કારણે એવી છાપ પડેલી કે, મોદી સરકારે ૨૦૧૪ના ચૂંટણી ઢંઢેરામાં આપેલા પાંચ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાના વચનનો સત્તામાં આવ્યાના છ વર્ષ બાદ અમલ કરીને કરોડો મધ્યમ વર્ગીય લોકોને મોટી રાહત આપી છે. વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે, આ જાહેરાત છેતરામણી છે કેમ કે જે લોકો નવા ઈન્કમટેક્સ દર પસંદ કરશે તેમને કરવેરામાં મળતી કોઈ પણ રાહત નહીં મળે. ઈન્કમટેક્સના કાયદા હેઠળ હોમ લોન વ્યાજ દર, સ્ટાન્ડર્ડ ડિડક્શન, પ્રોવિડંટ ફંડ સહિત અલગ અલગ સલામત રોકાણો, મેડિક્લેઈમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, એલઆઈસી સહિતની કંપનીઓના વિમામાં કરાતું રોકાણ, એનપીએસમાં રોકાણ વગેરે સહિત સિત્તેર જેટલી અલગ અલગ રાહતો મળે છે. આ વ્યાજ, પ્રીમિયમ વગેરેની રકમ આવકવેરામાં બાદ મળે છે. નવા કરવેરાનો સ્લેબ પસંદ કરે તેમને આ પૈકી કોઈ પણ રાહત ના મળે. મતલબ કે ઓછા ઈન્કમટેક્સ દરોનો લાભ લેવો હોય તો અત્યારે જેટલી પણ રાહત મળે છે તે બધી જતી કરવી પડે. સરવાળે વધારે ટેક્સ ભરવાનો થઈને ઊભો રહે.
નિર્મલાએ એ પછીનાં બંને બજેટમાં તો એવું પણ કશું ના કર્યું અને એ વખતનું બજેટ તો સાવ મોળું છે. આ બજેટમાં ચર્ચા કરવા જેવું કશુંક શોધી કાઢે તેનું સન્માન કરવું પડે એવી હાલત છે.