ગોવાના દિવંગત મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને શિવસેના અને આમ આદમી પાર્ટી(આપ)નું સમર્થન : શિવસેનાએ પણજી સીટ પરથી ઉત્પલ પર્રિકરના સમર્થનમાં પોતાનો ઉમેદવાર પાછો ખેંચ્યો….

ગોવાના દિવંગત મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને સમર્થન આપવા માટે શિવસેનાએ પણજી સીટ પરથી પોતાનો ઉમેદવાર પાછો ખેંચ્યો છે. ભાજપ તરફથી ટિકિટ નહીં મળ્યા બાદ ઉત્પ પર્રિકર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

શિવસેનાના સંજય રાઉત તમામ વિપક્ષીઓને અપીલ કરી રહ્યા છે કે બીજપીથી ટિકિટ નહીં મેળવનારા ઉત્પલને દરેક પક્ષ સમર્થન આપે, જેથી તેમની જીત સુનિશ્ચીત થઇ શકે.

સંજય રાઉતે આદિત્ય ઠાકોરને ટૅગ કરીને એક ટ્વિટમાં કહ્યું હતું, ” અમે અમારી વાત પર અટલ છીએ. શિવસેના પણજીથી આશા શૈલેન્દ્ર વેલિંગકરની ઉમેદવારી પરત લઇ રહી છે. અમારા કાર્યકર્તા ઉત્પલને જીત મેળવવા માટે સમર્થન આપશે. . અમારું માનવું છે કે પણજીની લડાઈ ચૂંટણી માટે નથી, સંપૂર્ણ ગોવાની રાજકીય શુદ્ધતા વિશે પણ છે.”

ગોવાના ત્રણ વાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલા મનોહર પર્રિકરનું 2019માં નિધન થયું હતું. પણજી સીટ પર 25 વર્ષ સુધી તેમનો કબજો હતો. એમના મૃત્યુ બાદ થયેલી ઉપચૂંટણીમાં તેમના લાંબા સમયના પ્રતિસ્પર્ધી બાબુશ મોનસેરેટ જીત્યા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

ઉત્પલે ભાજપને પણજી સીટ પરથી ઉમેદવાર બનાવવા માટે અપીલ કરી હતી, પરંતુ એમ થઇ શક્યું નહીં.

શિવસેના ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉત્પલને સમર્થન આપ્યું છે.