ધંધુકામાં ભરવાડ સમાજના યુવાનની હત્યાના પડઘા હજુ સમ્યા નથી એટલામાં રાધનપુરમાં અજંપાનો માહોલ : રાધનપુરના શેરગઢ ગામમાં ચૌધરી સમાજની યુવતીની હત્યાનો પ્રયાસ…

ધંધુકામાં ભરવાડ સમાજના યુવાનની હત્યાના પડઘા હજુ સમ્યા નથી એટલામાં રાધનપુરના શેરગઢ ગામમાં એક વિધર્મી યુવકે ચૌધરી સમાજની યુવતીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બન્યો છે, જેના કારણે સમગ્ર રાધનપુરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

વિધર્મી યુવકે ઘરમાં ઘૂસીને છરીના ઘા મારીને યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ગંભીર બનાવને પગલે યુવતીના પરિવારને ન્યાય અપાવવા માટે શુક્રવારે ચૌધરી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજની એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચૌધરી સમાજ ઉપરાંત ભરવાડ સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શનિવારે રાધનપુર બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બંધને સમર્થન અપાતા આજે સંપૂર્ણ રાધનપુરમાં વેપારીઓ બજારો બંધ રાખી હતી.

રાધનપુરની યુવતીની સાથે ધંધુકાના યુવાનને ઝડપથી ન્યાય મળે એવી માંગ સાથે માટે આજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શંકર ચૌધરી, બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, રાધનપુરના પૂર્વ ધારસભ્ય લવિંગજી ઠાકોર સાથે અલ્પેશ ઠાકોર જેવા દિગ્ગજ નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ રેલીમાં ૧૫ હજારથી વધુ લોકો ન્યાયની માંગ માટે એકઠા થયા હતા.

આ રેલીને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડને કાબુમાં રાખવા પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યાના સમાચાર પણ સુત્રો દ્વારા મળ્યા હતા. ચૌધરી સમાજના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીએ ન્યાય મેળવવાની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ મામલાને અતિસંવેદનશીલ ગણાવીને ઝડપથી ન્યાય આપવાની ખાતરી આપી છે.