ઉત્તર પ્રદેશ પછી ગુજરાતમાં પણ ચૂંટણી થવાની છે, ભાજપને ખરી સરપ્રાઇઝ તો ત્યાંથી મળશે : અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે દરેક રાજકીય પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહી છે. રાજકીય નેતાઓના પક્ષપલટા પણ ચાલી રહ્યા છે. એવામાં આજે શનિવારે ગાઝિયાબાદમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને આરએલડી અધ્યક્ષ જયંત ચૌધરીએ એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં એમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપે ઉત્તર પ્રદેશનો વિકાસ રોકી દીધો છે, તેથી જનતાએ હવે ભાજપનો રસ્તો સાફ કરવાનુ નક્કી કરી લીધુ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના રાજમાં મજૂરો અને ખેડૂતોને ખૂબ વેઠવુ પડ્યું છે. કોરોના દરમિયાન મજૂરોને જે મુશ્કેલી વેઠવી પડી તે માટે ભાજપ જવાબદાર છે. મોદી સરકારમાં અન્નદાતા પણ પરેશાન છે. આ ચૂંટણી ખેડૂતો અને મજૂરોની છે. ઉત્તર પ્રદેશ પછી ગુજરાતમાં પણ ચૂંટણી થવાની છે. ભાજપને ખરી સરપ્રાઇઝ તો ત્યાંથી મળશે. ભાજપ ગુજરાતમાં હારવા તૈયાર રહે.