અપર્ણા ભાજપમાં જોડાયાં તેના કારણે સપાના મુખિયા મુલાયમસિંહના પરિવારમાં ભંગાણ પાડી દીધું હોય એવા હુંકારમાં કેટલું તથ્ય…?!?
અંતે મુલાયમસિંહ યાદવનાં પૂત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ ગયાં છે. અપર્ણા મુલાયમના નાના દીકરા અને અખિલેશના સાવકા ભાઈ પ્રતીક યાદવનાં પત્ની છે. અપર્ણા અને અખિલેશ યાદવ વચ્ચે લાંબા સમયથી અંટસ ચાલતી જ હતી. આ કારણે અપર્ણા સમાજવાદી પાર્ટી છોડીને લાંબા સમયથી ભાજપમાં જોડાવા થનગનતાં જ હતાં. ભાજપવાળા પણ અપર્ણાને લીલાતોરણે પોંખીને પોતાની પંગતમાં બેસાડવા આતુર જ હતા પણ મુલાયમસિંહ ઘરનો ઝઘડો ઘરમાં જ રાખીને સમજાવીને બેસાડી દેતા હતા. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવે છે તેથી અપર્ણાને ટિકિટ આપવાની આશા પણ મુલાયમે બંધાવી હશે ને તેના કારણે પણ અપર્ણા બેસી રહ્યાં હશે.
હવે ટિકિટોની વહેંચણીની મોસમ શરૂ થઈ ગઈ છે ને અખિલેશ અપર્ણાને ટિકિટ આપવાના મામલે મગનું નામ મરી નહોતા પાડતા. બીજી તરફ ભાજપ તરફથી નોંતરાં પર નોંતરાં આવતાં હતાં. અપર્ણા પક્ષમાં આવે તો માગે એ બેઠકની ટિકિટ આપવા ભાજપે તૈયારી બતાવેલી તેથી અપર્ણા પિગળવા જ માંડેલાં. ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અસિમ અરૂણ ભાજપમાં જોડાયા એ વખતે અપર્ણા જોડાશે એવું એલાન કરી જ દેવાયેલું પણ અપર્ણાની બેઠકના મામલે ભાજપે ફોડ ના પાડતાં અપર્ણાએ વિચાર માંડી વાળેલો. અપર્ણાને એમ હશે કે પોતે ભાજપમાં જોડાવાનાં છે એવું લાગશે તો અખિલેશ ટિકિટ આપી દેશે પણ અખિલેશે જરાય સળવળાટ ના બતાવ્યો. તેના કારણે બંને બાજુથી લટકી ના જવાય એટલે અપર્ણાએ સસરા ને જેઠ બધાંની શરમ છોડી દીધી ને ભાજપમાં જોડાઈ ગયાં.
અપર્ણા ભાજપમાં જોડાયાં તેના કારણે રાજકીય ઉત્તેજનાનો માહોલ છે કેમ કે ઉત્તર પ્રદેશમાં અત્યારે ભાજપનો મુખ્ય જંગ સમાજવાદી પાર્ટી સામે છે. સપા યાદવ પરિવારની બાપીકી પેઢી છે પણ તેમાં નાના મોટા ડખા ચાલ્યા જ કરે છે. એ ડખાના કારણે કોઈ ભાજપમાં ગયું નથી. મુલાયમના નાના ભાઈ શિવપાલને અખિલેશ સાથે ડખો થતાં તેમણે નવો પક્ષ રચ્યો પણ ભાજપની પંગતમાં નથી બેઠા જ્યારે અપર્ણા તો ભાજપમાં જ જોડાઈ ગયાં છે. મુલાયમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ ભાજપમાં જોડાય એ વાત મોટી તો કહેવાય જ.
અલબત્ત ભાજપના નેતા જે પ્રકારની વાતો કરી રહ્યા છે એટલી મોટી પણ આ ઘટના નથી. ભાજપમાં મોટો મીર માર્યો હોય એવો માહોલ છે ને સપાના મુખિયા મુલાયમસિંહના પરિવારમાં ભંગાણ પાડી દીધું હોય એવા હુંકાર ભાજપના નેતા કરી રહ્યા છે. અખિલેશ રાજકારણમાં નિષ્ફળ છે અને પરિવારને સાચવવામાં પણ નિષ્ફળ છે એવી હાસ્યાસ્પદ વાતો પણ કેટલાક નેતા કરી રહ્યા છે. આ વાતો સાંભળીને ખરેખર હસવું આવે છે કેમ કે અપર્ણા ભલે મુલાયમ પરિવારમાંથી હોય પણ અખિલેશ સાથે તેને સીધો સંબંધ નથી. અપર્ણાનો અખિલેશ સાથે સંબંધ તેના પતિ પ્રતીક સાથે છે અને પ્રતીક ના તો અખિલેશનો સગો ભાઈ છે કે ના તો મુલાયમસિંહનો દીકરો છે.
પ્રતીક યાદવ સાથે અખિલેશ કે મુલાયમ બંનેમાંથી કોઈને લોહીનો સંબંધ નથી. પ્રતીકની માતા સાધના ગુપ્તા મુલાયમની બીજી પત્ની છે. મુલાયમે માલતી દેવી સાથે પહેલાં લગ્ન કરેલાં. અખિલેશ માલતી દેવીનો પુત્ર છે અને માલતી દેવી યાદવ હતાં તેથી મુલાયમ યાદવનો રાજકીય વારસ બન્યો છે. ૧૯૮૦ના દાયકામાં મુલાયમ અને સાધના દેવી પરણી ગયેલાં. સાધનાનાં પણ આ બીજાં લગ્ન હતાં. સાધના ગુપ્તાનાં પહેલાં લગ્ન ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથે થયેલાં ને આ લગ્નથી પ્રતીક જન્મ્યો હતો. સાધનાએ ચંદ્રપ્રકાશને ડિવોર્સ આપી મુલાયમ સાથે લગ્ન કર્યાં પછી પ્રતીકના પિતા તરીકે મુલાયમનું નામ લખાય છે પણ પ્રતીકને મુલાયમ સાથે લોહીનો સંબંધ નથી. પોતાની માતા મુલાયમને પરણી એટલે પ્રતીક મુલાયમનો સાવકો પુત્ર બન્યો છે. આ લગ્નના કારણે પ્રતીક મુલાયમ પરિવારમાં ભલે આવી ગયો પણ અખિલેશની જેમ મુલાયમના સાચા વારસ તરીકે સ્થાપિત થઈ શક્યો નથી.
અપર્ણા ભાજપમાં જોડાયાં તેથી સપાને બહુ મોટો ફટકો પડશે એવી વાતો પણ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીની મુખ્ય મતબેંક ઓબીસી મતદારોની છે ને અપર્ણાના આગમનથી ભાજપ અખિલેશની ઓબીસી મતબેંકમાં ગાબડું પાડશે એવી વાતો પણ થઈ રહી છે. અખિલેશ સ્વામીપ્રસાદ મૌર્ય ને દારાસિંહ ચૌહાણ જેવા ધુરંધર ઓબીસી નેતાઓને ભાજપમાંથી ખેંચી ગયો તેના કારણે થયેલું નુકસાન ભાજપે અપર્ણાને ખેંચી લાવીને સરભર કરી નાખ્યું છે એવું કહેનારા નમૂના પણ છે. આ નમૂનાઓને અપર્ણા ખરેખર કોણ છે ને તેનું બેકગ્રાઉન્ડ શું છે તેની જ ખબર નથી. અપર્ણાનું બેકગ્રાઉન્ડ જાણશો તો સમજાશે કે, અખિલેશની ઓબીસી મતબેંકમાં એક ટકા ગાબડું પાડવાની પણ ક્ષમતા ધરાવતી નથી.
અપર્ણાનું મૂળ નામ અપર્ણાસિંહ બિસ્ત છે અને એ ઓબીસી નહીં પણ ઠાકુર પરિવારમાંથી આવે છે. યોગી આદિત્યનાથ ગોરખપુરના મઠમાં આવ્યા પહેલાં અજયસિંહ હતા તેથી અપર્ણા અને યોગી બંને ઠાકુર છે. અપર્ણાના પિતા અરવિંદસિંહ બિશ્ત વરસોથી લખનઉમાં એક ટોચના અંગ્રેજી અખબારના બ્યૂરો ચીફ છે. પ્રતીક-અપર્ણા સ્કૂલમાં ભણતાં ત્યારે જ ઈલુ ઈલુ શરૂ થઈ ગયેલું. એ વખતે પ્રતીક મુલાયમનો દીકરો છે તેની કોઈને ખબર નહોતી. બંને પ્રેમમાં પડ્યાં પછી પ્રતીકે પોતાની મા સાધના સાથે અપર્ણાનો પરિચય કરાવ્યો અને પોતાની ઓળખ આપી ત્યારે અપર્ણાને આઘાત લાગી ગયેલો. અપર્ણાએ પોતાના પરિવારને પ્રતીક વિશે કશું નહોતું કહ્યું. મુલાયમે ૨૦૦૭માં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને સાધના સાથેનાં લગ્ન સ્વીકાર્યાં પછી અપર્ણાએ પોતાના પરિવારને પ્રતીક વિશે જણાવેલું.
બીજા બધાની જેમ અરવિંદસિંહ પોતે દીકરીની લવ સ્ટોરી સાંભળીને ભડકી ગયેલા ને પ્રતીક-અપર્ણાના મિલન પર પ્રતિબંધ મૂકી દીધેલો. એ વખતે બંને મળી શકતાં નહોતાં પણ ફોન પર સતત સંપર્કમાં રહેતાં. બિશ્તે પછી અપર્ણાને ભણવા માટે યુ.કે. મોકલી દીધી. પ્રતીકને તક મળી એટલે તે પણ ભણવા યુ.કે. ઉપડી ગયો અને લવ સ્ટોરી આગળ ચાલી. અપર્ણાએ ઈન્ટરનેશનલ રીલેશન્સમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે જ્યારે પ્રતીકે લીડ્સ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં એમ.એસસી. કર્યું છે. વિદેશમાં બંને સાથે જ રહેતાં તેથી એટલાં આગળ વધી ગયેલાં કે તેમના સંબંધોને સ્વીકાર્યા વિના અપર્ણાના પિતાનો છૂટકો જ નહોતો.
અપર્ણા અને પ્રતીકની લવસ્ટોરીમાં મુલાયમ પણ આડા ફાટેલા કેમ કે બિશ્ત મુલાયમની સતત ટીકા કરનારા પત્રકાર તરીકેની નામના ધરાવતા હતા. સાધનાએ તેમને સમજાવ્યા પછી એ માન્યા ને ૨૦૧૦માં સગાઈ થઈ. પ્રતીક-અપર્ણાનાં લગ્ન ૨૦૧૧માં મુલાયમના વતન સેફઈમાં થયાં ત્યારે સાધનાના કહેવાથી મુલાયમે પાણીની જેમ પૈસો વહાવેલો પણ પ્રતીક મુલાયમનો વારસ નથી બની શક્યો. અપર્ણાનું પણ એવું જ છે. એ યાદવ પરિવારની પુત્રવધૂ ચોક્કસ બની પણ યાદવ સમાજમાં તેનો કોઈ પ્રભાવ નથી. બલકે તેની રાજકીય કારકિર્દી એવી નથી કે બીજા કોઈ સમાજ પર તેનો પ્રભાવ હોય. અપર્ણા ઠાકુર ને પતિ ગુપ્તા છે તેથી ઓબીસી તેમની પાછળ દોરવાય એ વાતમાં માલ નથી. બીજું એ કે, અપર્ણા પોતે પહેલા ચૂંટણીના મેદાનમાં ઉતરેલાં ને તેમાં તેમનું પાણી મપાયેલું જ છે. સાધનાએ પુત્ર પ્રતીકને રાજકારણમાં લાવવાના પ્રયત્ન શરૂ કર્યા પણ પ્રતીકને રાજકારણમાં રસ નથી. સાધના પ્રતીકને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી લડાવવા માગતાં હતાં પણ પ્રતીકને રાજકારણમાં રસ નહોતો તેથી સાધનાએ અપર્ણાને આગળ કરી દીધાં. સાધનાએ બહુ ધમપછાડા કરેલા પણ અખિલેશે અપર્ણાનું પત્તું કાપી નાખ્યું હતું. એ પછી પણ સાધના-અપર્ણા બરાબર મચેલાં રહ્યાં તેથી અખિલેશે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અપર્ણાને ટિકિટ આપવી પડેલી.
જો કે અખિલેશ પણ પાકા ખેલાડી છે તેથી તેણે અપર્ણાને ભાજપની સૌથી સેફ મનાતી લખનઉ કેન્ટ બેઠક પર કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં રીટા બહુગુણા સામે ભિડાવી દીધાં હતાં. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ સાવ પતી ગયેલી હોવા છતાં રીટા એ બેઠક પરથી જીતતાં હતાં. ૨૦૧૭માં તો મોદીના નામની લહેર હતી ત્યારે રીટાને હરાવવાં મુશ્કેલ જ હતાં તેથી અપર્ણા ફેંકાઈ ગયાં. અપર્ણા માટે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થઈ ગયો ને તેમની રાજકીય કારકિર્દી શરૂ હોતે હી ખતમ થઈ જાય તેવી હાલત થઈ ગયેલી. અપર્ણાએ એ પછી જ્ઞાતિબંધુના નાતે યોગી સાથે ઘરોબો વધારવા માંડેલો ને તેના કારણે હવે ભાજપમાં છે પણ એ અખિલેશ કે સપા માટે પડકાર બની શકે એવી તાકાત ધરાવતાં નથી. ભાજપ તેમને ટિકિટ આપે ને એ જીતી જાય તો બહુ બહુ તો ધારાસભ્ય બનશે, તેનાથી વધારે કંઈ નહીં.