આમ આદમી પાર્ટી(આપ)નો નવો ચૂંટણીલક્ષી દાવ : દિલ્હી સરકારના સારા કાર્યોનો વીડિયો બનાવી વિવિધ સોશિયલ મીડિયા પર મૂકે તેમને ચૂંટણી બાદ ડિનર પર આમંત્રિત કરવામાં આવશે…

દિલ્હી રાજ્યની સત્તાધારી આમ આદમી પાર્ટી(આપ)એ નવો ચૂંટણીલક્ષી દાવ ખેલ્યો છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આગામી માસમાં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનું ડિજિટલ અભિયાન ‘એક મૌકા કેજરીવાલ કો’ શરૂ કરતાં દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે તેઓ ‘આપ’ દ્વારા કરવામાં આવેલ કાર્યોનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરે.

તેમણે દિલ્હીવાસીઓને કહ્યું હતું કે,‘ દિલ્હી સરકારના સારા કાર્યોનો વીડિયો બનાવી વિવિધ સોશિયલ મીડિયા પર મૂકે અને લોકોને બતાવે કે તેમને આનાથી શો ફાયદો થયો? સાથે જ ચૂંટણી થવાની છે એ રાજ્યોમાં તમારા પરિચિત હોય તેમને વૉટ્સઅપ દ્વારા અપીલ કરે કે એક મોકો કેજરીવાલને આપે.’ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે પચાસ દિલ્હીવાસી જેમના વીડિયો વાયરલ થશે તેમને ચૂંટણી બાદ ડિનર પર આમંત્રિત કરવામાં આવશે.

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે તેમની સરકારે મફત વીજળી અને પાણી ઉપલબ્ધ કરાવવા જેવા ઘણાય સારા કામ કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રના લોકો દિલ્હીમાં ચાલી રહેલા મોહલ્લા ક્લિનિકને જોવા આવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિના પત્નીએ પણ અહીંની સ્કૂલોની મુલાકાત લીધી હતી. દિલ્હીને હવે ૨૪ કલાક વીજળી મળી રહી છે. આ બધુ ત્યારે શક્ય બન્યું જ્યારે દિલ્હીના લોકોએ અમને મોકો આપ્યો.’

કેજરીવાલે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને પણ આવા વીડિયો મૂકવાની અને વિવિધ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અપીલ કરી હતી.