સુહાગરાતના દિવસે પોલીસ બની વિલન : સત્તાધારી નેતાઓ સામે નતમસ્તક પોલીસ આમ જનતા સામે કડકાયથી કાયદાનું પાલન કરાવવામાં માનવતા પણ ભૂલે છે….!!!

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે પોલીસે રાત્રિ કફર્યૂનો કડક અમલ શરૂ કર્યો છે, પણ તેના ચક્કરમાં લગ્ન કરીને ઘરે પરત ફરી રહેલા નવદંપતીને એવો કડવો અનુભવ થયો કે જે તેમને જીવનભર યાદ રહેશે. વલસાડ પોલીસનાં અસંવેદનશીલ વર્તનના કારણે નવપરણિત વરવધુ લગ્ન કરીને પોતાના ઘરે પહોંચે તે પહેલાં જ તેમને એક રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી છે.

વાત જાણે એમ છે કે વલસાડ શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ કફર્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા નવદંપતી અને તેના પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. વલસાડમાં રાત્રિ કફર્યૂના નિયમોના નામે પોલીસ વર-વધુ સહિત પરિવારજનોને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને આંખી રાત તેમને ત્યાં જ રાખ્યા હતા. સામાન્ય રીતે આવા કેસમાં માનવતાના ધોરણે વર-વધુ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી, ફકત પરિવારજનો સામે જ કડક પગલા લેવામાં આવે છે. જોકે, આ ઘટનામાં પોલીસે વર-વધુને પણ ન છોડ્યા અને તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી એટલે બધાને આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી અને સવારે જામીન પર છૂટકારો થયો હતો.

પરિવારજનોનુ કહેવુ છે કે લગ્નપ્રસંગ પતાવીને પરત ઘરે ફરવામાં રાત્રે થોડુ મોડું થતા અમે માફી માગી હતી. અમે પોલીસને ત્યાં સુધી કીધુ કે વર-વધુને છોડી મૂકો અને અમારી સામે કાર્યવાહી કરો, પણ પોલીસ માની જ નહીં.

આમ તો નેતાઓ નિયમ ભંગ કરતા હોય છે ત્યારે પોલીસ આંખ આડા કાન કરતી હોય છે, પણ જયારે સામાન્ય માણસ ભૂલ કરે તો પોલીસને કડક પગલા લેવાનુ યાદ આવી જાય છે. પોલીસના આવા દંભી વલણને કારણે લોકોમાં પોલીસ સામે નારાજગી જોવા મળી રહી છે.