ઈન્ડોનેશિયામાં એક ‘સોનાનો દુર્લભ ટાપુ’ મળી આવ્યો : નદીની તળેટીમાંથી સોનાના ઘરેણા અને કીમતી વસ્તુઓ મળી આવી…

પૃથ્વીના પેટાળમાં સંખ્યાબંધ ખજાનો પડ્યા છે. કુદરતની અનેક રચનાઓ એવી છે જ્યાં સુધી માનવી હજુ સુધી પહોંચી શક્યો નથી. આવું જ એક દુર્લભ ટાપુ ઈન્ડોનેશિયામાંથી મળી આવ્યો છે. અહીની નદીમાંથી સોનાની ચીજવસ્તુઓ નીકળી રહી છે. આ નદીએ સ્થાનિક લોકો અને તંત્રમાં આશ્ચર્ય સર્જયુ છે. કુતૂહલવશ લોકો નદી જોવા જઈ રહ્યાં છે.

ઈન્ડોનેશિયામાં એક ‘સોનાનો ટાપુ’ મળી આવ્યો છે. અહીંથી લોકોને સોનાના આભૂષણો, વીંટી, બૌદ્ધ શિલ્પો અને ચીનના કિંમતી સિરામિક વાસણો મળ્યા છે. ઘણા વર્ષોથી ગુમ થયેલો આ ‘ગોલ્ડ આઈલેન્ડ’ ઈન્ડોનેશિયાના પાલેમ્બાંગ પ્રાંતની મુસી નદીમાંથી મળી આવ્યો છે.

નદીની તળેટીમાંથી સોનાના ઘરેણા અને કીમતી વસ્તુઓ મળી આવી હતી. આ ટાપુ અંગે ઈન્ડોનેશિયામાં લોક કથાઓમાં સાંભળવા મળે છે કે, અહીં માનવ ખાનારા સાપ રહે છે. તેમજ જ્વાળામુખી પણ ફાટતો રહે છે અને હિન્દી ભાષામાં વાત કરનારા પોપટ રહે છે. ઇન્ડોનેશિયાના પ્રાચીન ઇતિહાસમાં ‘સોનાના ટાપુ’ તરીકે ઓળખાતા આ સ્થળને શ્રીવિજય સિટી કહેવામાં આવતું હતું. એક સમયે તે ખૂબ સમૃદ્ધ શહેર હતું. તે દરિયાઈ વેપાર માર્ગની મધ્યમાં આવેલો હતો. તે વિશ્વના પૂર્વ અને પશ્ચિમના દેશોને વ્યવસાયિક સ્તરે જોડતો હતો. હવે આ ટાપુ મુસી નદીની તળેટીમાં જોવા મળે છે.

એવું કહેવાય છે કે, અહીં મલાકાના અખાત પર વર્ષ 600થી 1025 વચ્ચે રાજ કરનારા રાજાઓનું રાજ્ય હતું. ભારતીય ચોલ સામ્રાજ્ય સાથેના યુદ્ધમાં આ શહેર તૂટી પડ્યું હતું.