અભિનેત્રી કંગના રણોટ, ગાયક અદનાન સામી સહિતની હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા…
ભારત રત્ન બાદ જો દેશમાં મળનાર કોઇ સર્વોચ્ચ સન્માન હોય તો એ પદ્મ પુરસ્કાર છે. પદ્મ 2020 પુરસ્કાર સમારોહ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન આમિત શાહની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
અભિનેત્રી કંગના રણોટ, ગાયક અદનાન સામીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પદ્મભૂષણ, જયારે ભારતીય હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના 12 મહાનુભવોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં કેશુભાઇ પટેલ, મહેશ-નરેશ કનોડિયાની જોડી, શાહબુદ્દીન રાઠોડ, કવિ દાદ સહિતના મહાનુભવોનો સમાવેશ છે.
સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા કાર્યક્રમમાં કુલ 141 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર 2020માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ આપવામાં આવ્યા છે. વર્ષ 2021માં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા 119 મહાનુભવોને આવતી કાલે પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.