કોરોના કાળના દોઢ વર્ષના ગાળામાં ભારતીયોએ કુલ ૧૩૨.૨ ટન સોનું વેચવું પડ્યું…!!!

કોરોના કાળના દોઢ વર્ષના ગાળામાં ભારતીયોએ કુલ ૧૩૨.૨ ટન સોનું વેચવું પડ્યું છે અને રિઝર્વ બેન્કના ડેટા અનુસાર સોના સામે લોન લેવાના પ્રમાણમાં પણ આ સમયગાળા દરમિયાન વધારો જોવા મળ્યો છે.

કોરોના કાળ દરમિયાન લોકડાઉન, પરપ્રાંતીય મજૂરોની હિજરત અને બેરોજગારી જોવા મળી હતી. અન્ય ઉદ્યોગોમાં કાર્ય કરતા લોકોના પગાર કપાયા હતા અથવા તો તેમની નોકરીઓ ગઈ હતી. વ્યાપાર અને ઉદ્યોગો ઉપર પણ અસર જોવા
મળી હતી.

આ સ્થિતિમાં સોનું જ લોકો માટે સૌથી મોટો સહારો બન્યું છે. દેશમાં સપ્લાય અને ડીમાન્ડ આધારિત તાજા રિપોર્ટમાં એવું જાણવા મળે છે કે ભારતીયોએ માર્ચ ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ના દોઢ વર્ષના ગાળામાં કુલ ૧૩૨.૨ ટન સોનું વેચવા કાઢયું છે.

આ ઉપરાંત, રિઝર્વ બેંકના આકડા અનુસાર સોના કે ઘરેણા ગીરવે મૂકી બેંક પાસેથી લોન લેવાનું પ્રમાણ પણ બમણાં જેટલું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે સોનાના ભાવ ઊંચા હોય ત્યારે લોકો જુનું સોનું વેચી રોકડા ઉભા કરતા હોય છે અથવા તેની સામે નવું સોનું ખરીદે છે.

છેલ્લા છ મહિનામાં ભાવ લગબગ સમાન રહ્યા હોવા છતાં સોનું વેચવાનું પ્રમાણ ભારતમાં જળવાઈ રહ્યું છે.

ઉપરોક્ત અહેવાલ અનુસાર જાન્યુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે ભારતમાં ૯૧.૮ ટન સોનું રીસાયકલિંગમાં આવ્યું છે જયારે જાન્યુઆરી ૨૦૨૧થી સપ્ટેમ્બર સુધીમાં વધુ ૫૫.૩ ટન સોનું વેચાણમાં આવ્યું છે.

જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટરની જ સરખામણી કરીએ તો ગત વર્ષ કરતા આ પ્રમાણ અર્ધું થઇ ગયેલું જોવા મળે છે. પણ ડિસેમ્બર પછી છેલ્લા ટન ક્વાર્ટરમાં સતત ભારતમાં જુનું સોનું વેચવાનું પ્રમાણ વધી રહેલું પણ જોવા મળે છે.

દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં બેન્કોમાં સોનું કે ઘરેણા ગિરવે મૂકી લોન લેવાના અલગ આંકડા આપવાનું શરૂ કર્યું છે. આ અનુસાર, માર્ચ ૨૦૨૦ની સામે સપ્ટેમ્બરના અંતે સોના સામેની લોન રૂ.૨૯,૪૭૫ કરોડ વધી રૂ.૬૯,૨૯૬ કરોડ થઇ ગઈ છે.

ગત માર્ચમાં આવી લોનનું પ્રમાણ રૂ.૩૩,૪૫૧ કરોડનું હતું એટલે કે આ સમયગાળામાં ૮૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોના દરમિયાન લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ નાજુક હતી અને ઘણા માટે હજી પણ છે અને એટલે જ ઘણા લોકોએ પોતાનો સોનું વેચી પૈસા ઉભા કર્યા છે.

સોના સામે ધિરાણ આપતી કંપનીઓએ પણ પૈસા ન મળતાં પોતાની પાસે રહેલા સ્ટોકને પણ માર્કેટમાં મૂકવું પડયું હતું.