ટી-૨૦ વર્લ્ડકપ પછી શાસ્ત્રી ઘરભેગો : રાહુલ દ્રવિડ ભારતીય ટીમ માટે સાચા અર્થમાં અચ્છે દિન લાવશે એવી આશા

શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડીએ ભારતીય ક્રિકેટ ટીમમાં વહાલાં-દવલાંની નીતિ ચલાવી

તેમાં આપણે છેલ્લા ચાર વર્ષમાં એક પણ મોટી સ્પર્ધા જીતી શક્યા નથી

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે અંતે રાહુલ દ્રવિડની વરણી થઈ ગઈ. રવિ શાસ્ત્રીને કોચ પદેથી વિદાય કરી દેવાશે એવી વાતો લાંબા સમયથી ચાલતી જ હતી ને એ વાતો અંતે સાચી પડી છે. યુએઈ અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપ પછી શાસ્ત્રી ઘરભેગો થશે ને એ સાથે જ ભારતીય ક્રિકેટ ઈતિહાસનું એક ભૂલી જવા જેવું પ્રકરણ સમાપ્ત થશે.

શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડીએ ભારતીય ક્રિકેટ ટીમમાં વહાલાં-દવલાંની નીતિ ચલાવી તેમાં આપણે છેલ્લા ચાર વર્ષમાં એક પણ મોટી સ્પર્ધા જીતી શક્યા નથી. શાસ્ત્રીની વિદાય સાથે એ ખરાબ સમય પૂરો થયો છે અને હવે રાહુલ દ્રવિડ ટીમ માટે સાચા અર્થમાં અચ્છે દિન લાવશે એવી આશા છે.

રવિ શાસ્ત્રીને સત્તાવાર રીતે ૨૦૧૭ના જુલાઈમાં અનિલ કુંબલેની જગાએ ટીમનો હેડ કોચ બનાવાયેલો.  કુંબલેએ કોચ તરીકે કમાલની કામગીરી કરી હતી પણ આપણે ક્રિકેટરોને શિસ્ત માફક આવતી નથી. તેથી કુંબલે સામે કકળાટ કરી મૂકેલો. વિરાટ કોહલીએ આ કકળાટની આગેવાની લીધેલી ને કુંબલે સામે થોકબંધ ફરિયાદો કરેલી. કુંબલે મહાન ક્રિકેટર છે અને આ પ્રકારની કાદવઉછાળ પ્રવૃત્તિમાં તેને રસ જ નહોતો તેથી કજિયાનું મોં કાળું કરીને કુંબલેએ રાજીનામું ધરી દીધેલું. કુંબલેને હેડ કોચ બનાવાયો ત્યારે શાસ્ત્રી પણ રેસમાં હતો, પણ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની ત્રિપુટીએ યોગ્ય રીતે જ કુંબલેની પસંદગી કરેલી.

કુંબલેએ કોચ તરીકે પહેલાં કામ નહોતું કર્યું પણ કુંબલેની લડાયકતા અને ઝનૂન લાજવાબ હતાં. એક ખેલાડી તરીકે કુંબલેનો રેકોર્ડ હતો તેમાં શક નથી પણ કુંબલેનો ટેમ્પરામેન્ટ પણ ગજબ હતો. કુંબલેમાં કદી હાર નહીં માનવાની જે લડાયકતા હતી એવી લડાયકતા બહુ ઓછા ક્રિકેટરોમાં જોવા મળે. કુંબલે ભારતીય ક્રિકેટે પેદા કરેલો સૌથી મહાન બોલર છે તેમાં શંકા નથી. કુંબલે ભારતીય ક્રિકેટમાં સૌથી મોટો મેચ વિનર પણ છે. ભારતીય ટીમને વિદેશની ધરતી પર જીતાડનારા પાંચ ક્રિકેટરોની યાદી બનાવીએ તો તેમાં કુંબલેને સૌથી ઉપર મૂકવો પડે. ભારતની સ્પિનરો માટેની પિચો પર તો કુંબલે સામે ભલભલા ખેલાડીઓ મુંઝવાતા હતા જ અને વિદેશમાં પણ કુંબલેનો દેખાવ ગજબનાક હતો તેથી તેની પસંદગી સારી હતી તેમાં શંકા નહોતી.

અનિલ કુંબલેની વરણી થઈ તેના કારણે ક્રિકેટ ચાહકો ખુશ હતા, પણ રવિ શાસ્ત્રીને પોતે પસંદ ના થયો તેનો ભારે આઘાત લાગેલો તેથી તેણે જાત જાતના વાંધા કાઢેલા. અનિલ કુંબલેની પસંદગીમાં સૌરવની ભૂમિકા મુખ્ય હતી. તેથી  શાસ્ત્રીએ સૌરવ ગાંગુલીને નિશાન બનાવીને બળાપો કાઢેલો. રવિ શાસ્ત્રીની હાલત દુ:ખે છે પેટ અને કૂટે છે માથું જેવી હતી. કેમ કે શાસ્ત્રીએ સૌથી મોટો વાંધો એ લીધો હતો કે પોતાના ઈન્ટરવ્યૂ વખતે સૌરવ બહાર ચાલ્યો ગયેલો. શાસ્ત્રીના કહેવા પ્રમાણે કોચપદ જેવી મહત્ત્વની જગા માટે ઈન્ટરવ્યૂ લેવાતા હોય ત્યારે આ રીતે સૌરવ બહાર ફરવા ચાલી જાય તેના પરથી જ સ્પષ્ટ હતું કે, સૌરવ પહેલાંથી કોને કોચ બનાવવા એ નક્કી કરીને બેઠેલો.

શાસ્ત્રીએ બીજી પણ વાતો કરેલી અને એ બધી વાતો માંડવાનો અર્થ નથી. પણ કુંબલે સામે વાંધા ઊભા કરવામાં શાસ્ત્રીએ કોઈ કસર નહોતી છોડી. એ છતાં કુંબલેએ કોચપદ સંભાળ્યું ને વિરાટ કોહલીની ટીમને લાઈન પર લાવી દીધેલી. કોહલીએ કુંબલેની પસંદગી પહેલાં આડકતરી રીતે ટીમના કોચપદે શાસ્ત્રી પસંદ થાય તો સારૂં એવો મમરો મૂકેલો તેથી તેને કુંબલે પસંદ નહોતો. કોહલીને કુંબલે હેડમાસ્ટર લાગતો હતો. એ ક્રિકેટરો પર સખ્તાઈ કરતો એ નહોતું ગમતું. કુંબલે નિયમિત પ્રેક્ટિસ કરવાનું કહે કે મહેનત કરવાનું કહે તેના કારણે બીજા ક્રિકેટરો પણ કકળાટ કરતા ને કોહલીને ફરિયાદ કરતા. તેના કારણે કુંબલે અને કોહલી વચ્ચે ચકમક ઝર્યા જ કરતી હતી.

જો કે કુંબલેએ મન મોટું રાખીને ટીમના હિતને મહત્ત્વ આપીને અવિસ્મરણીય કામગીરી બજાવી હતી. કુંબલે કોચ હતો ત્યારે આપણે ૧૨ ટેસ્ટ જીત્યા ને માત્ર એક ટેસ્ટ હાર્યા હતા. આપણે સળંગ પાંચ ટેસ્ટ સીરિઝ જીતેલા ને બીજી ઘણી સિદ્ધીઓ મેળવી હતી, બીજો કોઈ કોચ ભારતને આટલી સફળતા નહોતો અપાવી શક્યો. કોચ તરીકે કુંબલેને મળતા મહત્ત્વના કારણે પણ કોહલીને મરચાં લાગતાં તેથી બંને વચ્ચે ખટરાગ ચાલ્યા જ કરતો હતો.

આ ખટરાગ ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભડકામાં પરિણમ્યો. પાકિસ્તાનની ટીમને આપણે લીગ મેચમાં સાવ આસાનીથી હરાવેલી પણ ફાઈનલમાં પાકિસ્તાને આપણને સાવ મસળી નાંખ્યા. આપણા ક્રિકેટરોએ બેશરમ બનીને વરઘોડો કાઢ્યો ને ‘તું જા હું આવુ છું’ કરીને જે વરઘોડો કાઢ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની સહિતના આપણા કહેવાતા સુપરસ્ટાર્સ સાવ વાહિયાત શોટ્સ મારીને આઉટ થયા તેના કારણે કુંબલેનો પિત્તો ગયો. વધારે આઘાતજનક વાત એ હતી કે, આ હાર પછી ભારતીય ક્રિકેટરો હાહાહીહી, ઠિઠિયારા ને ખિખિયાટા કરતા હતા. અકળાયેલા કુંબલેએ આપણા ક્રિકેટરોની ધૂળ કાઢી નાંખી કેમ કે કુંબલેમાં દેશપ્રેમ વધારે છે. આપણે પાકિસ્તાન સામે હાર્યા તેમાં તેનો ગુસ્સો ફાટ્યો તેમાં તો કોહલીએ નાનાં છોકરાંની જેમ બોર્ડમાં બેઠેલા તેના આકાઓની સામે રાવ નાંખી. કુંબલેને ખબર પડી એટલે નવું કંઈ તૂત ઊભું થાય એ પહેલાં તેણે રાજીનામું ધરી દીધું હતું અને શાસ્ત્રીનો નંબર લાગી ગયેલો.

શાસ્ત્રીનો કોચ તરીકેનો રેકોર્ડ કેવો છે તે આપણી નજર સામે છે. કોચની અસલી કસોટી વર્લ્ડકપ જેવી મોટી સ્પર્ધાઓમાં થતી હોય છે. બાકી બે દેશોની સીરિઝમાં તો હાર-જીત ચાલ્યા કરે. તેની લોકોને બહુ અસર થતી નથી પણ વર્લ્ડકપમાં હારો તો લોકોને લાગી આવે છે. શાસ્ત્રીના સમયમાં આપણે આઈસીસીની મોટી ટુર્નામેન્ટસમાં હારવાની પરંપરા જ સર્જી દીધી.  શાસ્ત્રી હેડ કોચ બન્યો એ પહેલાં તેણે ટીમ ડિરેક્ટર તરીકે દોઢ વર્ષ કામ કરેલું. શાસ્ત્રી ટીમનો કોચ નહોતો પણ તેનું કામ તો કોચ તરીકેનું જ હતું. શાસ્ત્રી કોચ હતો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમની મોટી મેચોમાં હારવાની શરૂઆત થઈ ગયેલી.

શાસ્ત્રી ડિરેક્ટર હતા ત્યારે આપણી ટીમ બે વર્લ્ડકપમાં મહત્ત્વની મેચોમાં ભૂંડી રીતે હારેલી.  ૨૦૧૫ના વર્લ્ડકપમાં આપણી ટીમ સેમી ફાઈનલમાં પહોંચીને ઓસ્ટ્રેલિયા સામે ભૂંડી રીતે હારી ગયેલી. વર્લ્ડકપમાં સેમી ફાઈનલ પહેલાંની મોટા ભાગની મેચો આપણે નબળા દેશો સામે રમેલા તે જોતાં સેમી ફાઈનલમાં પહોંચ્યા તેમાં હરખાવા જેવું કંઈ નહોતું. અસલી જંગ સેમી ફાઈનલમાં હતો ને દશેરાએ જ આપણું ઘોડું નહોતું દોડ્યું. એ પછી ૨૦૧૬ના ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં આપણે વધારે શરમજનક રીતે હારેલા. સેમી ફાઈનલમાં આપણી ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સામે હતી ને ૧૯૪ રનનો સ્કોર ખડક્યા પછી વેસ્ટ ઈન્ડિઝે આપણને હરાવીને નાક વાઢી લીધેલું.

આપણે ઘરઆંગણે રમતા હતા ને છતાં જીતી ના શક્યા તેનાથી શરમજનક વાત બીજી કોઈ ના કહેવાય. એ ગાળામાં ભારતીય ટીમ વિદેશની ધરતી પર એક પણ સીરિઝ નહોતું જીતી શક્યું. ભારત ઘરઆંગણે શેર છે ને આપણી ધરતી પર આપણને કોઈ ના હરાવી શકે પણ એ વખતે દક્ષિણ આફ્રિકાએ આપણને ઘરઆંગણે વન ડે સીરિઝમાં હરાવીને આપણું નાક વાઢી લીધેલું. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત એ હતી કે બાંગલાદેશે આપણને વન ડે સીરિઝમાં હાર આપેલી. જે પહેલાં કદી નહોતું બન્યું એ શાસ્ત્રી કોચ હતો ત્યારે બનેલું.

શાસ્ત્રી સત્તાવાર રીતે હેડ કોચ બન્યો પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો. આપણે ટેસ્ટ મેચોમાં જીત્યા પણ ૨૦૧૯ના વર્લ્ડ્કપની સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ૨૩૧ રન જેવો મામૂલી સ્કોર આપણે ચેઝ નહોતા કરી શક્યા. કોહલી સહિતના ટોપ ઓર્ડરે ધોળકું ધોળ્યું તેમાં આપણે શરમજનક રીતે હારેલા. છેલ્લે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ બેજવાબદારીભરી બેટિંગ કરીને કોહલીની ટીમ હારી ગયેલી. આ વખતના ટી-૨૦ વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન સામે અત્યાર લગી વર્લ્ડ-કપમાં નહીં હારવાનો ગૌરવપૂર્ણ રેકોર્ડ તૂટ્યો અને અત્યારે આપણે ફેંકાઈ જવાના આરે આવીને ઊભા છીએ. શાસ્ત્રી કોચ તરીકે કશું ઉકાળી શક્યો નથી ને ટીમને તાકતવર બનાવી શક્યો નથી તેનો આ પુરાવો છે. શાસ્ત્રી કોચ તરીકે બહુ મોટી કમાલ ના કરી શક્યો તેનું કારણ એ કે, શાસ્ત્રી રમતો ત્યારે ટીમના બદલે પોતાના વિશે જ વધારે વિચારતો ને તેના કારણ સાવ બુંદિયાળ સાબિત થયેલો.

દ્રવિડ શાસ્ત્રીથી સાવ અલગ જ માનસિકતા ધરાવે છે. દ્રવિડ હંમેશાં ટીમ માટે રમ્યો અને પૂરા ઝનૂનથી રમ્યો. ટીમ માટે જરૂર પડ્યે વિકેટકિપિંગ પણ કરવાના દ્રવિડ પાસે જે ટેમ્પરામેન્ટ અને છેક લગી લડવાની લડાયકતા છે તેવી લડાયકતા બહુ ઓછા ખેલાડીઓ પાસે હોય. ભારતીય ટીમને અત્યારે આ ટેમ્પરામેન્ટની જરૂર છે.વેલકમ, રાહુલ.