નવાબ મલિકે સમીર વાનખેડેની સાળી પર ડ્રગ્સ રેકેટથી જોડાયેલી હોવાનો આરોપ લગાવ્યો….

ડ્રગ્સ કેસને લઇને સતત નવા નવા આરોપ લગાવી રહેલા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે આજે ફરી એકવાર સમીર વાનખેડે પર નિશાન સાધ્યુ હતું. નવાબ મલિકે આજે સવારે ટ્વીટર પર અમુક સ્ક્રીનશોટ શેર કરીને દાવો કર્યો હતો કે વાનખેડેની પત્ની ક્રાંતિની બહેન હર્ષદા ડ્રગ્સ રેકેટ કેસમાં આરોપી છે અને એ કેસ હજુ પણ પેન્ડિંગ છે. નવાબ મલિકે આ કેસનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ‘સમીર દાઉદ વાનખેડે શું તમારી સાળી હર્ષદા રેડકર ડ્રગ્સ કેસના ધંધામાં હતી? તમને જવાબ આપવો જોઇએ, કારણ કે તેનો કેસ પુણે કોર્ટમાં પેન્ડિંગ છે.

દરમિયાન નવાબ મલિકના આરોપોનો જવાબ આપતા સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે ‘એક મહિલાનુ નામ સર્ક્યુલેટ કરીને તમે સારુ કામ કર્યું. અમે જયારે પ્રેસ રિલીઝ બહાર પાડીએ છીએ ત્યારે મહિલાની ગરિમાની સુરક્ષા માટે તેનુ નામ જાહેર કરતા નથી. શું કોઇ એવી મહિલાનુ જાહેરમાં નામ લેવુ યોગ્ય છે જેના બાળકો અને પરિવાર છે.’ સમીર વાનખેડેએ સ્પષ્ટતા કરી છે કે આ કેસ 2008નો છે અને તેઓ એ સમયે એનસીબીમાં નહોતા. ક્રાંતિ રેડકર સાથે તેમના લગ્ન 2017માં થયા હતા, તેથી હર્ષદાના કેસ સાથે તેનો કોઇ સંબંધ નથી.

વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે પર તેની બહેન પર લગાવવામાં આવેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી કે હું એ કહેવા ઇચ્છુ છું કે મારી બહેન આ મામલામાં પીડિત હતી. સમીર વાનખેડેને આ કેસ સાથે કોઇ લેવાદેવા નથી.