જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં બે શિક્ષકોની હત્યા બાદ રાજકારણ ગરમાયું : રાજકીય પક્ષોએ ફરી એકવાર પાકિસ્તાન પર કરવાની માંગ કરી…!!!

જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં બે શિક્ષકોની હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. આ હૂમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાનમાં બેસેલા હેન્ડલર્સના ઈશારે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. આથી રાજકીય પક્ષોએ ફરી એકવાર પાકિસ્તાન પર કરવાની માંગ કરી છે.

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરતી આ ઘટના શરમજનક અને નિંદનીય છે. આતંકવાદ ફેલાવવા તથા કાશ્મીરી સમુદાયમાં ભાગલા પાડવા માટેનો આ હિન પ્રયાસ છે. આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં હૂમલાખોરોનો પર્દાફાશ કરવામાં આવશે તેવો અમને વિશ્વાસ છે. આ બધું સરહદ પાર બેસેલા પાકિસ્તાની હેન્ડલર્સના ઈશારે કરવામાં આવી રહ્યું છે.

શિવસેનાના જમ્મુ અને કાશ્મીર એકમના પ્રમુખ મનીષ સાહનીએ કહ્યું કે, કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકાર કાશ્મીરમાં પંડિતોને વસાવવાનું કામ કરી રહી છે તેથી આવા હુમલા થઈ રહ્યા છે. સાહનીએ કહ્યું કે ભારતીય સેનાએ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ હાથ ધર્યું છે, જેના કારણે આતંકવાદીઓ ગુસ્સે ભરાયા છે અને આ જ કારણ છે કે લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને અમારી અપીલ છે કે પાકિસ્તાન આ હુમલાઓ પાછળ છે અને તેના પર સતત એર સ્ટ્રાઇક કરવી જોઈએ.

ભાજપના જમ્મુ અને કાશ્મીરના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે કાયર પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીને લોહીલુહાણ કરી છે. આ જઘન્ય અપરાધની કાયર પાકિસ્તાનીઓને ભારે કિંમત ચૂકવવી પડશે.

બીજી તરફ, કોંગ્રેસના પૂર્વ મંત્રી રમણ ભલ્લાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. રમણ ભલ્લાએ કહ્યું કે કાશ્મીરમાં બે દિવસમાં જે સતત હત્યાઓ થઈ છે તેમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. કારણ કે કાશ્મીરમાં પહેલા એક મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને તે પછી કાશ્મીરી પંડિતો પર સતત હુમલાઓ બાદ સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે અને આજે પણ બે શિક્ષકો માર્યા ગયા છે, જે નિંદનીય કાર્ય છે. તેમણે ફરીથી કહ્યું કે સરકાર લોકોને સુરક્ષા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.