ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ટી 20 વર્લ્ડ કપ  પહેલા મોટી જાહેરાત : આગામી વર્લ્ડકપ બાદ તે ટી 20ની કેપ્ટનશીપ છોડી દેશે….

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ  પહેલા મોટી જાહેરાત કરી છે. ગુરુવારે એક ટ્વીટ દ્વારા માહિતી આપતા કોહલીએ કહ્યું કે આગામી વર્લ્ડકપ બાદ તે ટી 20ની કેપ્ટનશીપ છોડી દેશે.

ભારતીય ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે અને તે અનુસાર આગામી સમયમાં ભારતીય ટીમના ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની મેચના કેપ્ટન અલગઅલગ જોવા મળી શકે છે. બીસીસીઆઇએ હવે ક્રિકેટના અલગઅલગ ફોર્મેટ માટે અલગઅલગ કેપ્ટનની થિયરી પર કામ શરૂ કર્યું છે. જો એ થિયરી યોગ્ય રીતે પાર પડશે તો બની શકે છે કે આગામી સમયમાં ભારતની ટી-20 અને વન ડે ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે અને વિરાટ કોહલી માત્ર ટેસ્ટ ટીમનું સુકાન સંભાળતો જોવા મળી શકે છે.

દરેક ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળી રહેલો વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન બનવા તરફ આગળ વધ્યો છે. જો કે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ સંભાળવાનું દબાણ તેની બેટિંગ પર જણાઇ રહ્યું છે અને તેના કારણે તે રોહિત શર્મા સાથે આ જવાબદારી વહેંચી લે તેવી સંભાવના છે. ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઇ-ઓમાનમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયાને મર્યાદિત ઓવરો માટેની ટીમનો નવો કેપ્ટન મળવાની સંભાવના છે. એક અંગ્રેજી અખબારે બીસીસીઆઇના અનામી સૂત્રોને ટાંકીને આ અહેવાલો પ્રસારિત કર્યા છે.

ભારતીય ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી વહેંચવા માટે વિરાટ કોહલીએ છેલ્લા થોડા મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચાઓ કરી છે. આ તરફ જ્યારે વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પેટરનીટી લીવ પર ગયો હતો તે પછી તેની ગેરહાજરીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે તેમની જ ધરતી પર મેળવેલા ઐતિહાસિક સીરિઝ વિજયને પગલે મીડિયા અને સોશિયલ મીડિયામાં એવો માહોલ બન્યો હતો કે ટીમ ઇન્ડિયાના કેપ્ટનને બદલી નાંખવો જોઇએ. સૂત્રો એવું કહી રહ્યા છે કે અધ્યક્ષ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ બીસીસીઆઇએ તેના માટેની તૈયારી કરવા માંડી છે.

ભારતીય ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતા વિરાટ કોહલીની બેટિંગ પર આ જવાબદારીની મોટી અસર વર્તાઇ રહી છે અને ખુદ કોહલી પોતે પણ આ વાત સમજી ગયો હોય તેવું લાગે છે. જો રોહિત ટી-20 અને વન ડે ફોર્મેટમાં ટીમનું સુકાન સંભાળે અને કોહલી ટેસ્ટમાં સુકાની તરીકે ચાલુ રહે તો મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં તેની બેટિંગ ટીમ માટે ઘણી ઉપયોગી બની શકે છે. કોહલી હાલ માત્ર 32 વર્ષનો છે અને તેની ફિટનેસને ધ્યાને લેતા તે હજુ ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષ રમી શકશે અને તેની બેટિંગ સ્ટાઇલને જોતા ત્રીજા ક્રમે તે ટીમ માટે અત્યંત ઉપયોગી સાબિત થઇ શકે છે.