દૂરસંચાર ક્ષેત્ર માટેના રાહત પૅકૅજને અને નવ સુધારાને બુધવારે બહાલી : વૉડાફૉન – આઇડિયાને મોટી રાહત…

કેન્દ્રના પ્રધાનમંડળે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા દૂરસંચાર ક્ષેત્ર માટેના રાહત પૅકૅજને અને નવ સુધારાને બુધવારે બહાલી આપી હતી. તેને લીધે વૉડાફૉન – આઇડિયાને મોટી રાહત મળી હતી.

સરકારે જાહેર કરેલી આ રાહતમાં કંપનીઓને બાકી નીકળતી રકમ ચૂકવવામાં ચાર વર્ષના ‘બ્રૅક’ (રાહત), ઍરવેવ્ઝ શૅર કરવાની પરવાનગી, જે આવક પર કરવેરા ભરવાના હોય છે, તેની વ્યાખ્યામાં ફેરફાર અને આ ક્ષેત્રે આપમેળે ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી મળવાનો સમાવેશ થાય છે. વોડાફૉન – આઇડિયાએ સ્પેક્ટ્રમના લિલામ વખતે પ્રાપ્ત કરાયેલા ઍરવેવ્ઝ માટેના સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ રદ કરવા સહિતની કરોડો રૂપિયાની ભૂતકાળની ચુકવણી બાકી છે. પ્રીપૅડમાંથી પૉસ્ટ-પૅડ કનેક્શન્સ કે પૉસ્ટ-પૅડમાંથી પ્રીપૅડ કનેક્શન્સમાં શિફ્ટ કરતી વખતે કેવાયસીની જરૂર નહિ પડે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા સંબંધિત નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપતા દૂરસંચાર પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દૂરસંચાર ક્ષેત્રે નવ માળખાકીય સુધારાને બહાલી અપાઇ હતી અને તેને લીધે આ ક્ષેત્રે વાજબી સ્પર્ધા થઇ શકશે તેમ જ ગ્રાહકોને પસંદગીના વિકલ્પ મળશે. આ ઉપરાંત, નવી કંપનીઓના આ ક્ષેત્રે પ્રવેશનો માર્ગ મોકળો થશે.