કરવેરા અધિકારીઓ પર માસિક એક લાખ કરોડથી વધુ રૂપિયાનું GST કલેક્શન કરવાનું દબાણ : GST વસૂલી માટે મળી રહેલ નોટિસોને કારણે ઇન્ડસ્ટ્રી ચિંતામાં…
કરવેરા અધિકારીઓ પર માસિક એક લાખ કરોડથી વધુ રૂપિયાનું જીએસટી કલેક્શન કરવાનું દબાણ બનાવાઈ રહ્યું છે. બીજી તરફ જીએસટી વસૂલી માટે મળી રહેલ નોટિસોને કારણે ઇન્ડસ્ટ્રી ચિંતામાં ગરકાવ થઇ ગઈ છે. તમામ ક્ષેત્રોની કંપનીઓને ગત માસ દરમિયાન નોટિસ અને સમન્સ જારી કરવામાં આવ્યા છે. ઉદ્યોગ સંસ્થાઓ અને કંપનીઓએ અધિકારીઓ શોષણ કરી કરી રહ્યા હોવાની તેમજ સંપૂર્ણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ રોકવા, ધરપકડ કરવા અને ભારે દંડ વસૂલવાની ધમકી આપી રહ્યા હોવાની ફરિયાદ કરી છે.
ઉદ્યોગો એવી ફરીયાદ કરી રહ્યાં છે કે આને કારણે વર્કિંગ કેપિટલ અને કામગીરીને અસર થઇ રહી છે. ઈન્ડસ્ટ્રીએ સતત સમન્સ અને નોટિસ અંગે મહેસૂલ વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સને ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે તેના કારણે કરદાતાઓમાં બિનજરૂરી ભયનું વાતાવરણ સર્જાય છે. ઉદ્યોગના સાધનોએ કહ્યું હતું કે કરદાતાઓને તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે બોલાવવાની પ્રક્રિયા લાંબી અને બોજારૂપ છે જે તેના ઉદ્દેશને નબળો પાડી રહી છે. ઘણા કિસ્સાઓમાં અધિકારીઓ દ્વારા ટેક્સપેયર્સનું શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળી છે. પૂછપરછને નામે તેમને સમગ્ર રાત અથવા મોડી રાત્રી સુધી રોકી રખાય છે. આ નોટિસો અને સમન્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં અસંગતતા અને જીએસટી રજીસ્ટ્રેશન રદ કરવાના સંદર્ભમાં જારી કરવામાં આવ્યા છે.
કંપનીઓએ જણાવ્યું હતું કે ખાલી નોટિસ જ નહીં પરંતુ અધિકારીઓ પણ ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરને પણ તાત્કાલિક જીએસટી ઓફિસમાં હાજર થવા માટે બોલાવવામાં આવ્યા છે.