પેગાસસ સોફ્ટવેર મામલે સપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો….
પેગાસસ સોફ્ટવેર મામલે તપાસના આદેશ માગતી અરજીઓની સુનાવણી મામલે સપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સોમવારે અનામત રાખ્યો હતો.
અરજદારો અને સોલિસિટર જનરલ તુષાર મેહતાની દલીલ સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ) એન. વી. રામનાની ખંડપીઠે જણાવ્યું હતું કે અમે આદેશ અનામત રાખીએ છીએ અને વચગાળાનો આદેશ આપીશું. એ આદેશ જાહેર કરતા બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. ખંડપીઠમાં જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીનો પણ સમાવેશ થયો હતો.
મેહતાએ ખંડપીઠને જણાવ્યું હતું કે અમારે કશું છુપાવવાનું નથી, પણ અમુક સંવેદનશીલ બાબતો એવી છે કે જેને શપથપત્ર દ્વારા જાહેર ન કરી શકાય, પણ વ્યક્તિઓની પ્રાઇવસીનો આદર કરતા સરકારે પોતાની મેળે જ એવું નક્કી કર્યું છે કે તમારી સમક્ષ યોગ્ય રિપોર્ટ રજુ કરવામાં આવે. કમિટી તમને જવાબદેહ રહેશે.
ખંડપીઠે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમે અગાઉ જ જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી માહિતી અમને નથી જોઇતી.
સીજેઆઇએ પોતાના રિમાર્કમાં જણાવ્યું હતું કે કોર્ટ ફક્ત એટલું જાણવા માગે છે કે કાયદામાં અપાયેલી છૂટ સિવાય આરોપ પ્રમાણે કોઇની જાસૂસી કરવામાં આવી હતી કે કેમ. આ સાથે એમણે કેન્દ્રના ભૂતપૂર્વ આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે સંસદમાં પેગાસસના વપરાશને લીધે કેટલાક વૉટ્સ ઍપ યુઝર્સને અસર થઇ હોવાના નિવેદનને ટાંક્યું હતું.
મેહતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ વિગતો કોર્ટ સમક્ષ આવે એમાં એમને કોઇ વાંધો નથી, પણ આ વાત જાહેર શપથપત્ર દ્વારા અથવા અન્ય રીતે જાહેર કરવી રાષ્ટ્રીય હિતમાં નથી. આ સાથે એમણે કોર્ટને વિનંતી કરી હતી કે એ સરકારને એક કમિટી બનાવવાની પરવાનગી આપે અને એ કમિટી આરોપોની તપાસ કરશે તથા જે લોકોને એવું લાગે છે કે એમની જાસૂસી થઇ છે, તેઓ કમિટીને પોતાના સાધનો તપાસવા આપી શકે છે.