નીતિન પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની વધુ એક વખત તક પણ ચૂકી ગયા….!!!

ગુજરાતમાં ભાજપના સત્તાના પ્રારંભે જ ’૯૦ ના દાયકાથી પાર્ટીને સમર્પિત અને પાટીદાર નેતા અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી સતત મુખ્ય પ્રધાન પદની હોડમાં રહેલા નીતિન પટેલ આ વખતે સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનની હોડમાંથી ફેંકાઇ ગયાં છે. આનંદીબેન પટેલના મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમની વિદાય વખતે પણ તેઓ મુખ્ય પ્રધાનની તક ચૂકી ગયા હતા.

આનંદીબેન પટેલના રાજીનામા બાદ નીતિન પટેલનું નામ મુખ્ય પ્રધાન પદ માટે રેસમાં હતું પરંતુ આશ્ર્ચર્યજનક રીતે તેમની જગ્યાએ વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન પદ મળતા તેઓ નારાજ પણ થઇ ગયાં હતા તેમજ પ્રધાન મંડળમાં નહીં જોડાવાની વાત પણ વહેતી થઇ હતી. જોકે પછી તેમને સમજાવી લેવામાં આવ્યા હતા અને નાણાં પ્રધાન અને પછી નાયબ મુખ્ય પ્રધાન પદ આપવામાં આવ્યું હતું. ગઇકાલે શનિવારે વિજય રૂપાણીએ

રાજીનામુ આપતા તેમનું નામ મુખ્ય પ્રધાનની રેસમાં સૌથી આગળ ચાલતું હતું પરંતુ આખરે સાવ નવાં અને માંડ એક ટર્મથી જ ધારાસભ્ય પદે રહેલા જુનિયર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાન પદે પસંદ કરીને ભાજપ હાઇકમાન્ડે નીતિન પટેલને હવે રાજ્યપાલ કે સંગઠનમાં કામ કરવાનો આડકતરો સંકેત આપી દીધો છે.  નીતિન પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની વધુ એક વખત તક પણ ચૂકી ગયા છે.

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન સરકારની કામગીરી સામે પ્રજામાં રોષ ફેલાયો હતો. બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. કોરોનાકાળ સમયે ઊભા થયેલા સત્તાવિરોધી જુવાળને ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કઠોર કદમ લેવામાં આવ્યા હતા જેના કારણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું તો રાજીનામું લઈ લેવામાં આવ્યું હતુ. તેની સાથે નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ પણ એટલા જ જવાબદાર હોવાનું માની રહેલા ભાજપના હાઈકમાન્ડ દ્વારા નીતિન પટેલને પડતા મૂકવામાં આવ્યાની ચર્ચા હતી.