ઑટો માર્કેટમાં આગામી તહેવારોની મોસમમાં સારું વેચાણ થવાનો આશાવાદ : હાલ ચીપ્સની અછત છતાં ઉત્પાદકો ઉત્પાદન જાળવી રાખવા માટે મથી રહ્યા છે…

ઑટો માર્કેટમાં હાલ ચીપ્સની અછત પ્રવર્તી રહી છે અને ઉત્પાદકો ઉત્પાદન જાળવી રાખવા માટે મથી રહ્યા છે તેમ છતાં આગામી તહેવારોની મોસમમાં સારું વેચાણ થવાનો આશાવાદ મારુતિ સુઝુકી, ટોયાટા કિર્લોસ્કર મોટર અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા જેવાં અગ્રણી કાર ઉત્પાદકો રાખી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે તહેવારોનો આરંભ આગામી ઑનમથી શરૂ થશે અને નવેમ્બર મહિનામાં દિવાળીની ઉજવણી સુધી રહેશે. અત્યાર સુધી એકંદરે સારી માગ રહ્યા બાદ આગામી ઑક્ટોબર મહિનામાં તહેવારોની મોસમની અપેક્ષિત માગ વૃદ્ધિને ધ્યાનમાં લેતાં ઉત્પાદકો ડીલરોને પુરવઠો વધારવાની દિશામાં વધુ સક્રિય થયા છે.

હાલના તબક્કે એકંદરે માગ ઠીકઠીક અને ગત સાલ કરતાં સારી રહી છે. જોકે, બુકિંગ અને રિટેલ પૂછપરછમાં થયેલી વૃદ્ધિને જોતા પુરવઠા પર વિપરીત અસર જોવા ન મળે તે અંગે અમે નજર રાખી રહ્યા છીએ, એમ મારુતિ સુઝુકી ઈન્ડિયાનાં વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું. માગમાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતાં નવરાત્રી પૂર્વે કંપની પૂરતો સ્ટોક તૈયાર રાખવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ તેનો આધાર સેમીક્ધડક્ટરની પુરવઠા સ્થિતિ પર અવલંબિત રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, હાલ મારુતિ સુઝુકી પાસે સામાન્યત: ૩૦ દિવસના સ્ટોક સામે ૨૩થી ૨૪ દિવસનો સ્ટોક છે.

તે જ પ્રમાણે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાનાં ઑટોમેટિવ ડિવિઝનનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિજય નાકરાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની બીજી લહેર પશ્ર્ચાત્ બજાર ખૂલતાં માગમાં બાઉન્સબૅક જોવા મળ્યું છે, જે સૂચવે છે કે આગામી તહેવારોની મોસમમાં માગ ગત સાલ કરતાં સારી રહેશે. ખાસ કરીને તહેવારોમાં પેસેન્જર વાહનોની કુલ માગમાં યુટિલિટી વેહિકલ્સની માગનો હિસ્સો અડધો રહેશે અને નવાં લૉન્ચ પર વધુ કેન્દ્રિત કરી રહ્યા છીએ અને ગ્રાહકોને નવાં અનુભવ પરાવર્તિત કરાવવાની દિશામાં કાર્ય કરી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં એક્સયુવી ૭૦૦ અને બોલેરો નિઓને મળેલા પ્રતિસાદને જોતા તહેવારોની મોસમમાં તેની માગમાં નોંધપાત્ર વૃદ્ધિનો આશાવાદ સેવાઈ રહ્યો છે. જોકે, એકંદરે કૉમોડિટીના ભાવમાં વધારો થવાથી ઈનપૂટ ખર્ચમાં થયેલા વધારાને કારણે ભાવધારો કરવાની ફરજ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત ટોયાટા કિર્લોસ્કર મોટરનાં સેલ્સ અને સ્ટ્રેટેજિક માર્કેટિંગ વિભાગના એસોસિયેટ જનરલ મૅનૅજર વી વાઈસલિને જણાવ્યું હતું કે માગમાં ધીમે ધીમે વૃદ્ધિ થઈ રહી છે અને કંપની ઈચ્છે છે કે ગ્રાહકોની માગ સંતોષાય. અમે સારી સેવા, સમયસર ડિલિવરી માટે વેચાણનાં ડિજિટાઈઝ ઓપરેશન માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. તાજેતરમાં આર્થિક વૃદ્ધિ, વ્યક્તિગત ધોરણે અવર-જવરની વધેલી જરૂરિયાત અને નવાં મૉડૅલનાં લૉન્ચ સાથે આગામી તહેવારોની મોસમમાં માગમાં વધારો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે ટોયાટા કિર્લોસ્કર મોટરે ગત જાન્યુઆરીમાં લૉન્ચ કરેલી નવી ફોર્ચ્યુનરને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને અમને આશા છે કે વર્ષભર તેનાં વેચાણમાં વૃદ્ધિ જળવાયેલી રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.