અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ ટુર લઈ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અકસ્માત : 34 થી વધુ લોકો ઇજાગ્રસ્ત, 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજા….
અમદાવાદ-બગોદરા હાઈવે પર ખાનગી બસ પલટી મારી જતાં 34 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. જ્યારે 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજા થઈ છે. જો કે, ઘટનાની જાણ થતા 6 જેટલી 108 ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અકસ્માતની ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ ટુર લઈ જતી ખાનગી ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી નકળંગ મહાદેવ તકફ જઇ રહી હતી. તે દરમિયાન ધંધુકા નજીક બગોદરા હાઈવે પર આવેલા ખડોળ પાટિયા પાસે ટ્રાવેલ્સ બસ અચાનક પલટી મારી ગઈ હતી, જેમાં 34 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 6 જેટલી 108 ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા અને રાણપુરની 108 ની મદદ લેવામાં આવી છે. જો કે, તમામ ઇજાગ્રસ્તોને પહેલા ધંધુકા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે, ત્યારબાદ આ તમામ ઈજાગ્રસ્તોને 108 ની ચાર ગાડીઓ દ્વારા વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 12 પુરૂષ, 16 મહિલા અને 6 બાળકો સહિત કુલ 34 લોકોને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે.