સુરત શહેરમાં બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન 2 ઇંચ વરસાદ ખાબક્યો…..

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં મંગળવાર બપોરથી ભારે વરસાદ (Rain) જામ્યો હતો. સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર સુરત શહેર અને આસપાસના તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ઉકાળાટ વચ્ચે બપોરે 1.30 વાગ્યા બાદ શહેરમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. વહેલી સવારથી જ સમગ્ર આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું હતું. બપોરે વાતાવરણમાં પલટો આવતા મુશળધાર વરસાદ ખાબક્યો છે.

સુરત શહેરમાં બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. શહેરમાં સાર્વત્રિક વરસાદ થતાં જનજીવન ઉપર તેની સ્પષ્ટ અસર દેખાઇ હતી. કામકાજ માટે બાહર નિકળેલા લોકો અટવાઈ પડ્યા હતાં. શહેરનાં સેન્ટ્રલ ઝોન બેગમપુરા, ઉધના, અડાજણ, કતારગામ, ભરીમાતા રોડ, વરાછાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ જેટલા પાણી ભરાયા હતા. વિજળીના કડાકા ભડાકા વચ્ચે સતત બે કલાક ભારે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે આગામી 20 મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14 મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 8 અને 9 સપ્ટે.એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.