ગુજરાતમાં વિધાનસભાની ૨૦૨૨ માટે રણનીતિ ઘડવા કેવડિયા કોલોની ખાતે શરૂ થયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં મહામંથન શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીની તૈયારીઓ ઘણા મહિનાઓથી શરૂ થઇ ચૂકી છે, પરંતુ હવે ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતીને સતત વિજય યાત્રા જારી રાખવાની રણનીતિ ઘડવા માટે કેવડિયા કોલોની ખાતે શરૂ થયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં મહામંથન શરૂ કર્યું છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-૨માં પ્રારંભ થયો છે.  પ્રથમ દિવસે ભાગ લેનાર તમામ હોદ્દેદારો સભ્યોની નોંધણી કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રીઓ અને તમામ પદાધિકારીઓ પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં કેવડિયા પહોંચ્યા હતા.

વડા પ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સિટી બનાવવાના ધ્યેયને કારણે પ્રધાનો અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું હતું. આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત ૬૦૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે.  તમામ ભાજપના કારોબારી સભ્યોને એસઓપીની સૂચના અપાઈ છે. જેનું પાલન કરી રહ્યા છે. પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ ૩જી સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય પ્રધાનો, પ્રદેશ અધ્યક્ષ, મુખ્ય પ્રધાન,  નાયબ મુખ્ય પ્રધાન સહિત તમામ સભ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ગુજરાત ડિજિટલ ક્નેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે.

વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે.