હવે, ભારત સીરિઝ (BH) હેઠળ વાહન નોંધણી સવલત : વાહન માલિકે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસવા જતી વખતે ત્યાં પોતાના વાહનની ફરીથી નોંધણી નહીં કરાવવી પડે….

ભારત સરકારના માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયે નવા વાહનોના રજીસ્ટ્રેશન નંબર માટે એક નવી સીરિઝ – ભારત સીરિઝ (BH) સીરીઝ શરૂ કરી છે. આ સીરિઝનો નંબર લીધા પછી વાહન માલિકે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસવા જતી વખતે ત્યાં પોતાના વાહનની ફરીથી નોંધણી નહીં કરાવવી પડે.

ભારત શ્રેણી હેઠળના વાહન નોંધણી સવલત એ સ્વૈચ્છિક હશે. ખાસ કરીને સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્ર સરકાર/ રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્ર કે રાજ્ય સરકાર હસ્તકની જાહેર કંપનીઓના કર્મચારીઓ અને એવી ખાનગી કંપનીઓના કર્મચારીઓ કે જે કંપનીઓની કચેરીઓ ચાર કે તેથી વધુ રાજ્યોમાં કે સંઘ પ્રદેશોમાં હોય તેઓ આ શ્રેણીના નંબર લઇ શકશે. એમ માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું છે.

મંત્રાલયે જણાવ્યું છે કે આનાથી પોતાના અંગત વાહનો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસવા જતી વખતે કોઇ તકલીફ વિના લઇ જવાશે અને તે રાજ્યમાં વાહનનું રિરજીસ્ટ્રેશન નહીં કરાવવું પડે. જે કર્મચારીઓની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલીઓ થવાની શક્યતા વધારે રહેલી હોય છે તેમને આ યોજના ખૂબ ઉપયોગી નિવડશે.