મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરાયેલા આક્ષેપો અંગેની તપાસમાં સીબીઆઇ દ્વારા દેશમુખને ક્લીનચિટ…?!?

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરાયેલા આક્ષેપો અંગેની તપાસમાં સીબીઆઇએ દેશમુખને ક્લીનચિટ આપી છે અને ફાઇલ બંધ કરવાની દરખાસ્ત કરી છે, એવી અટકળો સાથેના અહેવાલની પીડીએફ ફાઇલ વહેતી થઇ હતી. એ અંગે સીબીઆઇ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે.

‘મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અંગે અમને અનેક સવાલોની વિચારણા થઇ રહી છે. તેથી હાલની સ્થિતિની અમે દરેકને જાણ કરીએ છીએ. મુંબઈ હાઇ કોર્ટમાં આ પ્રકરણે ઘણી અરજીઓ કરવામાં આવી હતી. તેના પરથી હાઇ કોર્ટે સીબીઆઇને પ્રાથમિક તપાસ કરવાનું કહ્યું હતું. તપાસ કરવામાં આવી હતી અને તેના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સીબીઆઇએ ૨૧મી એપ્રિલે એફઆઇઆર નોંધી હતી અને તેની નકલ ૨૪મી એપ્રિલથી સીબીઆઇની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ પ્રકરણે હજી પણ તપાસ શરૂ છે’, એમ સીબીઆઇએ સ્પષ્ટતા કરી હતી. જે પીડીએફ ફાઇલ વાઇરલ થઇ છે તેના પર સીબીઆઇ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જે પીડીએફ ફાઇલ વાઇરલ થઇ છે જેના દસ્તાવેજ પર કોઇના પણ સત્તાવાર હસ્તાક્ષર ન હોવાને કારણે તેના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.