આવકવેરા વિભાગ દ્વારા અનેક સ્ટેટમેન્ટ, ફૉર્મ ફાઇલ કરવાની મુદ્દત લંબાવાય….
આવકવેરા વિભાગએ ‘સ્ટેટમેન્ટ ફૉર ઇક્વલાઇઝેશન લૅવી’ અને રેમિટન્સ સહિતના વિવિધ ટૅક્સને લગતા (સ્ટેટમેન્ટ અને ફૉર્મ્સ) ફાઇલિંગની મહેતલ લંબાવવાની રવિવારે જાહેરાત કરી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧ માટેના ‘ઇક્વલાઇઝેશન લૅવી સ્ટેટમેન્ટ’ ફૉર્મ-વનમાં ફાઇલ કરવાની મહેતલ ૩૦ જૂનથી લંબાવીને ૩૧ ડિસેમ્બર કરાઇ હતી.
જૂન અને સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળા માટેના રેમિટન્સને લગતું સ્ટેટમેન્ટ ફૉર્મ ૧૫-સીસી હવે અનુક્રમે ૩૦ નવેમ્બર અને ૩૧ ડિસેમ્બરે ફાઇલ કરી શકાશે. અગાઉ, જૂન અને સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળા માટેના રેમિટન્સને લગતું સ્ટેટમેન્ટ ફૉર્મ ૧૫-સીસી ફાઇલ કરવાની તારીખ અનુક્રમે ૧૫ જુલાઇ અને ૧૫ ઑક્ટોબર હતી.
સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિરેક્ટ ટૅક્સ ડિસ્પ્યુટ રિઝૉલ્યુશન સ્કીમ ‘વિવાદ સે વિશ્વાસ’ હેઠળ ચુકવણી કરવાની મહેતલ એક મહિનો એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ છે.
આમ છતાં, કરદાતાઓ આ યોજના હેઠળ વ્યાજની રકમ સાથે ૩૧ ઑક્ટોબર સુધીમાં ચુકવણી કરી શકશે. આ ઉપરાંત, પેન્શન ફંડ્સ અને સૉવરિન વૅલ્થ ફંડ્સ દ્વારા ઇન્ટિમેશનને લગતા ઇલેક્ટ્રૉનિક ફૉર્મ્સ ફાઇલ કરવાની મહેતલ પણ લંબાવવામાં આવી છે.
પેન્શન ફંડ્સ અને સૉવરિન વૅલ્થ ફંડ્સ દ્વારા ભારતમાંના રોકાણને લગતું જૂન અને સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળાનું ઇન્ટિમેશન અનુક્રમે ૩૦ નવેમ્બર અને ૩૧ ડિસેમ્બરે ફાઇલ કરવાનું રહેશે. અગાઉ, તેની મહેતલ અનુક્રમે ૩૧ જુલાઇ અને ૩૧ ઑક્ટોબર હતી.
સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ જૂન અને સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળા માટેના ફૉર્મ ૧૫-જી અને ૧૫-એચનું ડિક્લેરેશન અપલૉડ કરવાની મહેતલ લંબાવીને અનુક્રમે ૩૦ નવેમ્બર અને ૩૧ ડિસેમ્બર કરી હતી.
અગાઉ, આ મહેતલ અનુક્રમે ૧૫ જુલાઇ અને ૧૫ ઑક્ટોબર હતી.